ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાએ એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. શ્રીલંકા સામેની ત્રિકોણીય ODI શ્રેણીની ફાઇનલમાં તેણીએ શાનદાર ઇનિંગ રમી હતી.
શ્રીલંકા સામે સ્મૃતિ મંધાનાએ 114.85ની સ્ટ્રાઇક રેટથી 101 બોલમાં 116 રન બનાવ્યા હતા. જેમાં 15 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થતો હતો.
આ ઇનિંગમાં 2 સિક્સર ફટકારીને સ્મૃતિ મંધાનાએ વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગઈ છે.
સ્મૃતિ મંધાનાએ વનડે ક્રિકેટમાં અત્યાર સુધીમાં 54 છગ્ગા ફટકાર્યા છે. આ પહેલા આ રેકોર્ડ હરમનપ્રીત કૌરના નામે નોંધાયેલો હતો. તેણે વનડેમાં 53 છગ્ગા ફટકાર્યા છે.
આ સદી સ્મૃતિ મંધાના માટે ઘણી રીતે ખાસ હતી. તેણે ODI ક્રિકેટમાં 11મી વખત સદી ફટકારી છે.
સ્મૃતિ મંધાના મહિલા ક્રિકેટમાં ફક્ત ત્રીજી બેટ્સમેન છે, જેણે વનડેમાં 11 કે તેથી વધુ સદી ફટકારી છે. તેમના પહેલા ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ અને ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સ આ કરી ચૂકી છે.
સ્મૃતિ મંધાનાએ મહિલા વનડે ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે ટેમી બ્યુમોન્ટને પાછળ છોડી છે. જેમના નામે 10 સદી નોંધાયેલી છે. તે હવે વનડેમાં સૌથી વધુ સદી ફટકારનારી ત્રીજી બેટ્સમેન બની ગઈ છે.