Rohit Sharma Viral Video: ભારતીય વનડે ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે કમર કસી લીધી છે. હાલ સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ નેટમાં બેટિંગ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્મા સંપૂર્ણપણે ફિટ દેખાયા હતા. રોહિત શર્માએ આ વર્ષની શરૂઆતમાં ટેસ્ટ અને T20I મેચોમાંથી નિવૃત્તિ લીધી હતી. લગભગ 8 મહિના પછી તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરશે.
નેટ સેશન દરમિયાન બેટિંગ કરતાં દેખાયા હિટમેન
રોહિત શર્મા નેટ સેશન દરમિયાન બેટિંગ કરતા નજરે પડ્યા હતા. તેમના આ વીડિયોએ હાલ તો તેમની નિવૃત્તિની અફવાઓ પર વિરામ મૂકી દીધું છે. વીડિયો પરથી સ્પષ્ટ થાય છે કે રોહિત શર્માએ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે કમર કસી લીધી છે. નેટ પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્મા સંપૂર્ણપણે ફિટ દેખાયા હતા. તેમના હેલ્મેટ પર BCCIનો લોગો પણ દેખાઈ રહ્યો હતો.
ક્રિકેટ જગતમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ ઓસ્ટ્રેલિયા પ્રવાસ રોહિત શર્માની છેલ્લી વનડે મેચ હોઈ શકે છે. તો બીજી તરફ, કેપ્ટન રોહિત શર્મા મેચ માટે તૈયાર રહેવા અને મર્યાદિત ઓવરોના ફોર્મેટમાં ભારત માટે યોગદાન આપવા માટે કમર કસતા જોવા મળ્યા. રોહિતે વીડિયોમાં કહ્યું કે હું ફરીથી અહીં છું. ખરેખર ખૂબ સારું લાગી રહ્યું છે. રોહિત 19 ઓક્ટોબરથી શરૂ થનારી ત્રણ મેચની શ્રેણીમાં કપ્તાની કરશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો
રોહિત અને કોહલીના ભવિષ્યને લઈને ચર્ચા
રોહિત શર્મા અને વિરાટ કોહલીની જોડીને ઘણીવાર ભારતની વનડે મેચોમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. આ પ્રવાસમાં તેમની હાજરીએ ચર્ચા જગાવી છે કે 2027ના વનડે વર્લ્ડ કપ પહેલા 50 ઓવરના ફોર્મેટમાં ભારતના આ દિગ્ગજ બેટ્સમેનો માટે આ છેલ્લી તક હોઈ શકે છે. જોકે આગામી મહિનાઓમાં ફિટનેસ અને ફોર્મ એ નક્કી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે કે ભારતના અનુભવી ખેલાડીઓ ટીમમાં રહેશે કે પછી આગામી પેઢી માટે ધીમે ધીમે પાછળ હટી જશે.