Relationship Tips: આજની યુવા પેઢી કરિયર, સોશિયલ મીડિયા અને પૈસા પાછળ આંધળી દોટ મૂકી રહી છે, જેના પરિણામે ભાવનાત્મક સબંધો અને લાગણી ક્યાંક પાછળ છૂટી રહ્યાં છે. પહેલાના જમાનામાં જ્યાં ધીરજ, સમજદારી અને વિશ્વાસના કારણે સબંધો બનતા હતા અને લાંબા ટકતા પણ હતા. જો કે હવે સબંધોમાં કડવાશ વધારે જોવા મળી રહી છે. નાની-નાની બાબતોમાં લોકો સબંધો તોડી નાંખતા વાર પણ નથી લગાડતા. આવા લોકો સબંધો સાચવવા વિશે જરા સરખો પણ વિચાર કરતાં નથી. ઘણી વખત તો બાપે માર્યા વેર જેવી દુશ્મનાવટ જોવા મળે છે.
આ સંદર્ભે વાત કરતાં જાણીતા આદ્યાત્મિક ગુરુ સદ્દગુરુએ આજની યુવા પેઢીને સાચા પ્રેમ અને સબંધો સાચવવા માટે ઉપદેશ આપ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, જ્યાં સુધી આપણે ખુદને નહીં સમજીએ, ત્યાં સુધી કોઈ બીજાને સમજવા અને સમજાવવા ખૂબ જ અઘરું છે. અર્થપૂર્ણ સબંધો માટે કેટલાક એવા નિયમો છે, જેને આજના દરેક યુવાનોએ અપનાવવા જોઈએ.
આપણે જોઈએ છીએ કે, આજકાલ સબંધો જેટલા ઝડપથી વિકસે, તેનાથી બેગણી ઝડપથી તૂટી પણ જતા હોય છે. સદ્દગુરુ કહે છે કે, આજની પેઢી લવ અર્થાત પ્રેમને માત્ર લાગણી સમજે છે. જો કે ખરો પ્રેમ તો જવાબદારી છે. જ્યાં સુધી તમે તમારી જાત પ્રત્યે વફાદાર નહીં રહો, ત્યાં સુધી કોઈ બીજા સાથે સબંધમાં ટક્યા રહેવું મુશ્કેલ છે.
આ પણ વાંચો
આ માટે યુવાનોએ પહેલા પોતાની જાતને સમજવાની જરૂર છે, જાતને જાણ્યા વિના કોઈ પણ સબંધ ક્યારેય લાંબો નથી ટકી શકતો. આજ કારણોસર નાની-નાની બાબતોમાં આજકાલ બ્રેકઅપ થઈ જવું સામાન્ય થઈ ગયું છે.
રિલેશનશિપમાં ખુશ રહેવું હોય, તો તમને તમારી જાતને સંભાળતા આવડવું જ જોઈએ. જ્યારે તમે અંદરથી શાંત હશો, ત્યારે જ તમે કોઈને કોઈ શરતો વિના પ્રેમ કરી શકશો. નહીંતર સબંધ માત્ર ઠગારી આશાઓ અને ફરિયાદોનો પર્યાય બનીને રહી જશે. સબંધને સાચવવા માટે એકબીજાને સાંભળવા અને સમજવા ખૂબ જ જરૂરી છે. જો તમે દર વખતે સામેની વ્યક્તિને બદલવાનો પ્રયત્ન કરશો, તો પ્રેમ ક્યારે નફરતમાં બદલાઈ જશે, તમને ખબર પણ નહીં પડે.