Nepal Gen Z Protests: નેપાળ હાલમાં ભ્રષ્ટાચાર અને બેરોજગારી સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોનો ભોગ બન્યું હતું. સરકારની અક્ષમતા અને રાજકારણીઓના બાળકોની વૈભવી જીવનશૈલીને કારણે યુવાનોનો ગુસ્સો ભડક્યો હતો. આ રાષ્ટ્રવ્યાપી આંદોલન પછી નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ રાજીનામું આપવું પડ્યું હતું.
સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થયું Nepo Kids
નેપાળમાં સોશિયલ મીડિયા પર હાલ "નેપા કિડ્સ" (Nepa Kids) અને "પોલિટિશિયન નેપો બેબી" (Politician Nepo Baby) જેવા કીવર્ડ્સ ટ્રેન્ડ કરી રહ્યા છે. આ ટ્રેન્ડમાં એક તરફ નેપાળના સામાન્ય યુવાનો વધતી જતી બેરોજગારી અને ગરીબી સામે ઝઝૂમતા બતાવવામાં આવ્યા છે, જ્યારે બીજી તરફ નેપો કિડ્સને લક્ઝરી કારમાં ફરતા, લાખો રૂપિયાના ડિઝાઇનર હેન્ડબેગ્સ વાપરતા અને આંતરરાષ્ટ્રીય પ્રવાસો કરતા દર્શાવવામાં આવ્યા છે.
Gen Zના નિશાના પર નેપો કિડ્સ
નેપાળના Gen Z ના નિશાના પર આવા ઘણા નેપો બાળકો છે. ઉદાહરણ તરીકે નેપાળના પૂર્વ આરોગ્ય પ્રધાન બિરોદ ખાતિવાડાની પુત્રી શ્રૃંખલા ખાતિવાડા સોશિયલ મીડિયા પર પોતાની વિદેશ યાત્રા અને વૈભવી જીવનશૈલીના ફોટા પોસ્ટ કરતી રહે છે. 29 વર્ષીય શ્રૃંખલા મિસ નેપાળ પણ રહી ચૂકી છે.
તેવી જ રીતે નેપાળના પૂર્વ વડાપ્રધાન શેર બહાદુર દેઉબાના પુત્રવધૂ શિવાના શ્રેષ્ઠા પણ કરોડોના આલીશાન બંગલા અને મોંઘા ફેશનને કારણે ચર્ચામાં રહે છે. કમ્યુનિસ્ટ પાર્ટીના નેતા અને પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડની પૌત્રી સ્મિતા દહલ પણ લાખો રૂપિયાના હેન્ડબેગની તસવીર પોસ્ટ કરવા બદલ ટીકાનો ભોગ બની હતી.
નેપો કિડ્સના ઘરોને આગ ચાંપી દીધી
પ્રદર્શનકારીઓએ અનેક નેપો કિડ્સના ઘરોને આગ ચાંપી દીધી છે. તેમનો આરોપ છે કે સામાન્ય જનતા ગરીબીમાં મરી રહી છે, જ્યારે આ નેપો કિડ્સ લાખોના કપડાં પહેરે છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ અનુસાર નેપાળ સતત એશિયાના સૌથી ભ્રષ્ટ દેશોમાં શામેલ છે.