Nepal Social Media Ban: નેપાળની રાજધાની કાઠમંડુ આ દિવસોમાં યુવાનોના ગુસ્સાનો સામનો કરી રહી છે. 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સરકારે 26 મુખ્ય સોશિયલ મીડિયા અને મેસેજિંગ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, એક્સ, સ્નેપચેટ, લિંક્ડઇન, સિગ્નલ વગેરેનો સમાવેશ થાય છે.
પરંતુ યુવાનો આ નિર્ણયથી ખૂબ જ ગુસ્સે છે અને દેશભરમાં વિરોધ કરી રહ્યા છે. 8મી સપ્ટેમ્બરના રોજ ભ્રષ્ટાચાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા વિરોધીઓએ સોશિયલ મીડિયા એપ્સ પર લાદવામાં આવેલા પ્રતિબંધ સામે સંસદ ભવનની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સંસદને ઘેરી રહેલા 10-15 હજાર પ્રદર્શનકર્તા, 14 લોકો મૃત્યુ પામ્યા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે.
સોશિયલ મીડિયા કંપનીઓનો વ્યવસાય અને આવક
ડિજિટલ કન્ઝ્યુમર રિપોર્ટ મુજબ જાન્યુઆરી 2025માં નેપાળમાં 1.43 કરોડ લોકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો,જે દેશની વસ્તીના લગભગ 48.1% છે. કાઠમંડુ પોસ્ટના રિપોર્ટમાં ફેસબુકના લગભગ 1.35 કરોડ અને ઇન્સ્ટાગ્રામના લગભગ 39 લાખ વપરાશકર્તાનો ઉલ્લેખ છે.
Sharecast સર્વે પ્રમાણે 94 ટકા સ્માર્ટફોન વપરાશકર્તાઓ યુટ્યુબનો ઉપયોગ કરે છે. તેનાથી આ પ્લેટફોર્મ્સની લોકપ્રિયતાનો ખ્યાલ આવે છે.
કંપનીઓ નેપાળના મહેસૂલમાં પણ નોંધપાત્ર ફાળો આપે છે
આ કંપનીઓ નેપાળના મહેસૂલમાં પણ નોંધપાત્ર ફાળો આપે છે. નાણાકીય વર્ષ 2023-24માં META, Google, TikTok જેવી 18 મોટી સોશિયલ મીડિયા અને IT કંપનીઓએ નેપાળમાં ઇલેક્ટ્રોનિક સેવાઓ દ્વારા કુલ 2.76 અબજ નેપાળી રૂપિયાની આવક મેળવી હતી અને કુલ 415 મિલિયન નેપાળી રૂપિયા સરકારને મહેસૂલ (કર) તરીકે આપ્યા હતા. તેમાંથી 358.5 મિલિયન નેપાળી રૂપિયા VAT હતા અને 58.1 મિલિયન રૂપિયા ઇલેક્ટ્રોનિક સર્વિસ ટેક્સ હતો.
આ આંકડામાં સૌથી વધુ ટર્નઓવર ધરાવતી કંપનીએ 171 મિલિયન વેટ અને 2.93 મિલિયન રૂપિયા સર્વિસ ચાર્જ ચૂકવ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં એક વધારાની કંપનીના ઉમેરા સાથે, હવે 9 કંપનીઓએ જુલાઈ-ડિસેમ્બર દરમિયાન લગભગ 493.41 મિલિયન રૂપિયાનું ટર્નઓવર કર્યું છે, જેમાંથી 64.95 મિલિયન રૂપિયા સરકારને વેટ સ્વરૂપે પ્રાપ્ત થયા છે.
કોને નુકસાન થયું અને કોને ફાયદો થશે?
આ પ્લેટફોર્મ નાના અને મધ્યમ વ્યવસાયો પર મોટી અસર કરે છે. નેપાળી ટાઈમ્સ પ્રમાણે ઘણા નાના વેપારીઓ અને હેન્ડપ્રોડક્ટ વિક્રેતાઓનું વેચાણ ફેસબુક-ઈન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ પર આધાર રાખે છે. આ ઉપરાંત વિદેશમાં સ્થાયી થયેલા નેપાળી સમુદાય પણ આ એપ્સ દ્વારા તેમના પરિવારો સાથે જોડાય છે. સોશિયલ મીડિયા બંધ થવાથી આ વેપારીઓ અને સ્થળાંતર કરનારાઓની ચિંતા વધી ગઈ છે કારણ કે તેમની પહોંચ હવે મર્યાદિત થઈ રહી છે.