Devayat Khavad News: દેવાયત ખવડ અને તેના 6 સાગરિતોએ અડધી રાત્રે 2 વાગ્યે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું છે. તાલાલા પોલીસે કરેલી જામીન રદ કરવાની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે માન્ય રાખી હતી. કોર્ટે આરોપીઓના જામીન રદ કરવાની સાથે તપાસ માટે 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. દેવાયત અને તેના સાગરિતો સામે લૂંટ, હત્યાની કોશિશ, રાયોટિંગ અને આર્મ્સ એક્ટ જેવા ગુનાઓ નોંધાયા છે.
આજે મેડિકલ ચેકઅપ કરાશે
પોલીસ હવે આરોપીઓની અટકની ઔપચારિક પ્રક્રિયા હાથ ધરશે. આજે આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે. મંજૂર થયેલા 7 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ આરોપીઓ પાસેથી આચરેલા ગુનાની તમામ વિગતો અને પુરાવા એકત્રિત કરશે.
સાત દિવસના રિમાન્ડ પર મોકલાયા
સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવ્યું કે, વેરાવળ સેશન્સ અને ડિસ્ટ્રિક્ટ જજ વિક્રમસિંહ ગોહિલના આદેશ પ્રમાણે, દેવાયત ખવડને તારીખ 17 સપ્ટેમ્બર, 2025 સુધી રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. દેવાયત ખવડ કોર્ટમાં હાજર ન હોવા છતાં તેના વકીલ દ્વારા જામીન રદ થવા અને રિમાન્ડ મંજૂર કરવા સામે કોઈ વાંધો ન હોવાનું લેખિતમાં જણાવ્યું હતું, જેને કોર્ટે આરોપીની સંમતિ તરીકે ગણ્યું હતું.
યુવક પર હુમલો કર્યો હતો
કેસની વિગતો પ્રમાણે, થોડા સમય પહેલા તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેના મિત્રોએ એક યુવક પર જાનલેવા હુમલો કર્યો હતો. આ મામલે નીચલી કોર્ટે દેવાયત ખવડ સહિત 15 જેટલા આરોપીના જામીન મંજૂર કર્યા હતા. જો કે, તાલાલા પોલીસે આ જામીન સામે વાંધો ઉઠાવ્યો હતો અને રિવિઝન અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ 11 સપ્ટેમ્બર વેરાવળ સેશન્સ કોર્ટમાં સરકાર પક્ષની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન રદ કરવાનો આદેશ આપ્યો હતો.
આ પ્રકારની કલમો લાગી
આરોપીઓ સામે BNSની કલમ 109, 311, 118, 191 જેવી અનેક પ્રકારની કલમ તથા આર્મ્સ એક્ટની કલમ લગાવી છે. દેવાયત ખવડ સામે રાજકોટમાં હત્યાની કોશિશ, સનાથલમાં છેતરપિંડી અને આર્મ્સ એક્ટ સહિત 5 ગુના નોંધાયેલા છે. જ્યારે તેમની સાથે રહેલા અન્ય સાથીઓ પર જુગાર અને મારામારીના કેસ છે.
સમગ્ર ઘટના વિશે જાણો
તારીખ 12 મી ઓગસ્ટના રોજ તાલાલાના ચિત્રોડ ગામે અમદાવાદના સનાથલમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ પર દેવાયત ખવડ અને અન્ય 15 લોકોએ જીવલેણ હુમલો કર્યો હતો. દેવાયત ખવડ અને તેના મિત્રોએ ફોર્ચ્યુનર અને ક્રેટા કારથી ધ્રુવરાજસિંહની કિયા કારને ટક્કર મારી હતી. ત્યારબાદ લોખંડની પાઇપ અને ધોકાથી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. ખવડે રિવોલ્વર બતાવીને કેસ ન કરવાની ધમકી આપી હતી તેમજ 15 તોલા સોનાના દોરાની લૂંટ ચલાવી હતી.
ઘાયલ થયેલા ધ્રુવરાજસિંહને પહેલા તાલાલા, ત્યારબાદ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. મામલો બહાર આવતાં જ સનસનાટી મચી ગઈ હતી. મોડી રાત્રે પોલીસે દેવાયત ખવડ સામે ફરિયાદ નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ હતી. ગીર સોમનાથ જિલ્લાના એસપી મનોહરસિંહ જાડેજા ખુદ તાલાલા દોડી આવ્યા હતા.