Devayat Khavad Surrender News: અમદાવાદના સનાથલના યુવક પર કરવામાં આવેલા હુમલાના કેસમાં વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા જામીન રદ કરવામાં આવ્યા બાદ ગઇકાલે મોડીરાત્રે લોકગાયક દેવાયત ખવડે સરેન્ડર કર્યું હતું. તે તાલાલા પોલીસ સ્ટેશન સરેન્ડર કરવા ગયો એ સમયનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો જોવા મળી રહ્યો છે. જેમાં તે પોલીસ સ્ટેશનમાં જાય છે અને એક પોલસીકર્મીને ગળે લગાવવાનો પ્રયાસ કરે છે. જોકે પોલીસ કર્મી કેમેરાને જોઇ જતા ગળે દેવાયતને અટકાવતો જોવા મળે છે.
મોડી રાત્રે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યું
અમદાવાદના સનાથલના યુવક પર થયેલા હુમલાના કેસમાં નીચલી અદાલત દ્વારા દેવાયત ખવડના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા. જોકે તેની સામે તાલાલા પોલીસ દ્વારા વેરાવળ સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેને સેશન્સ કોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને દેવાયત ખવડના જામીન રદ કર્યા હતા. આ ઉપરાંત દેવાયત ખવડના 17 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મજૂર કરવામાં આવ્યા હતા. જામીન રદ થયા બાદ દેવાયત ખવડ ગઇકાલે મોડી રાત્રે તાલાલા પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરવા પહોંચ્યો હતો.
પોલીસ કર્મીને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો
દેવાયત ખવડ સરેન્ડર કરવા પહોંચ્યો એ સમયનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. જે વીડિયો સામે આવ્યો છે. તેમાં દેવાયત ખવડ પોલીસ સ્ટેશનમાં દાખલ થાય છે અને અંદર જ્યાં પોલીસકર્મીઓ બેઠા હોય છે ત્યાં પહોંચે છે. દેવાયત ખવડને જોઇને ખુરશી પર બેસેલા કર્મી ઉભા થાય છે. જ્યારે દેવાયત ખવડ એક પોલીસકર્મીને ગળે લગાવવા જાય છે. એ જ સમયે પોલીસ કર્મીની નજર કેમેરા પર પડે છે. જેથી તે દેવાયત ખવડને દૂર કરે છે. જોકે એ સમયનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યો છે.
શું હતી સમગ્ર ઘટના
ઉલ્લેખનીય છેકે, થોડા સમય પહેલા લોકગાયક દેવાયત ખવડ અને તેના સાથીઓ દ્વારા અમદાવાદના સનાથલના ધ્રુવરાજસિંહ નામના યુવક પર તાલાલા ગીર પંથકમાં હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગેની પોલીસ ફરિયાદ નોંધાયા બાદ દેવાયત ખવડની સુરેન્દ્રનગરના દુધઇમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ માટે એસપી કચેરી લઇ જવામાં આવ્યો હતો.
દેવાયત ખવડ દ્વારા જામીન અરજી કરવામાં આવતા નીચલી અદાલત દ્વારા તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. જેની સામે તાલાલા પોલીસે વેરાવળ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. જેને ગ્રાહ્ય રાખીને જામીન રદ કરવામાં આવ્યા હતા. તેમજ 17 સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.