Gir Somnath: તાલાલા હુમલા કેસમાં લોકસાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલી વધી ગઈ છે. હકીકતમાં વેરાવળ સેશન્સ કોર્ટે તાલાલા પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી રિવિઝન અરજીને માન્ય રાખી ખવડ સહિત અન્ય આરોપીઓના જામીન રદ્દ કર્યા છે. આ સાથે જ દેવાયત ખવડને આગામી 17 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર મોકલવાનો આદેશ કર્યો છે.
થોડા દિવસો પહેલાં તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ નીચલી કોર્ટે ખવડ સહિત કુલ 15 આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા. જો કે તાલાલા પોલીસને આ નિર્ણય સામે વાંધો હતો અને તેથી તેમણે સેશન્સ કોર્ટમાં જામીન રદ કરવા માટે રિવિઝન અરજી દાખલ કરી હતી.
આજે વેરાવળ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ કેતનસિંહ વાળાએ સરકાર પક્ષે ધારદાર દલીલો રજૂ કરી હતી. આશ્ચર્યજનક રીતે, દેવાયત ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માગ સામે કોઈ વિરોધ નોંધાવ્યો નહોતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન રદ કરવાનો આદેશ આપ્યો છે. હવે દેવાયત ખવડે તાત્કાલિક તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે.
વેરાવળ સેશન્સ કોર્ટે દેવાયત ખવડના જામીન રદ કર્યા બાદ તેના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. અગાઉ તાલાલા પોલીસ દ્વારા 7 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જેને કોર્ટે સ્વીકારી છે. આથી, દેવાયત ખવડ હવે 17 તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. ખાસ વાત એ છે કે, ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માગ સામે કોઈ વિરોધ નોંધાવ્યો નહોતો.