Tapi: તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારાના ખોડતળાવ ગામ નજીક એક વિચિત્ર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. જેમાં દુપટ્ટો બાઈકના વ્હીલમાં ફસાઈ જતાં સર્જાયેલા અકસ્માતમાં પતિની નજર સામે જ પત્નીનું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બારડોલી તાલુકાના ઝરીમોરા ગામના નદી ફળિયામાં રહેતા નાનુબેન ચૌધરી (67) ગત 17 જુલાઈના રોજ પતિ સાથે બાઈક પર વ્યારા તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વ્યારાના ખોડતળાવ ગામના સ્મશાન નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે નાનુબેને ગળામાં વીંટાળેલો દુપટ્ટો બાઈકના વ્હીલમાં ફસાઈ ગયો હતો.
જેના કારણે નાનુબેન બાઈક પરથી નીચે પટકાયા હતા. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને નાકમાંથી લોહી નીકળવા લાગ્યું હતુ. જેના કારણે ઘટના સ્થળે જ પતિની નજર સામે જ નાનુબેનનું મોત નીપજ્યું હતુ. હાલ તો આ મામલે કાકરાપાર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.