Tapi News: તાપી જિલ્લાના વ્યારા માર્કેટયાર્ડ (APMC)માં આ વર્ષે ચોમાસા દરમિયાન કુદરતી રીતે ઉગતા મશરૂમ, જેને સ્થાનિક ભાષામાં 'આળીમ' તરીકે ઓળખવામાં આવે છે, તેના ભાવે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. 20 કિલો આળીમના ભાવ 22 હજાર રૂપિયા સુધી પહોંચતા, પ્રતિ કિલો 1100 રૂપિયાનો ભાવ બોલાયો છે, જેણે ખેડૂતો અને જંગલ વિસ્તારોમાંથી આળીમ એકત્રિત કરનારાઓમાં ખુશીનો માહોલ સર્જ્યો છે.
મળતી વિગતો અનુસાર, ગઇકાલે વ્યારા માર્કેટ યાર્ડમાં મશરૂમની હરાજી ચાલી રહી હતી. જે દરમિયાન સતત ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. 1 હજાર રૂપિયાથી શરૂ થયેલા ભાવ જોત-જોતામાં 20 અને પછી વિક્રમી 22 હજાર સુધી પહોંચી ગયો હતો. યાર્ડમાં 20 કિલો મશરૂમનો ભાવ 22 હજાર સુધી પહોંચતા ખેડૂતોને પ્રતિ કિલો 1100 રૂપિયાનો ભાવ મળ્યો હતો. જેથી ખેડૂતમાં ખુશીનો માહોલ છે. એક સમયે ગ્રામ્ય વિસ્તારમાં જાણીતી આ મશરૂમની હવે શહેરી વિસ્તારોમાં પણ ઘણી માગ જોવા મળે છે.
આદિવાસીઓ માટે આવકનું સાધન
આળીમ માત્ર ચોમાસામાં જ ઊગી નીકળે છે, જે તેને દુર્લભ બનાવે છે. આ એક પ્રકારની કુદરતની ઔષધીય ભેટ છે. આળીમ સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને તે જંગલોમાં જોવા મળે છે. આદિવાસી સમાજના લોકો જંગલોમાંથી આળીમ શોધીને બજારોમાં વેચે છે, જેનાથી તેમને જીવનનિર્વાહ માટે સારી આવક મળી રહે છે. આળીમનો ઉપયોગ ઔષધિ તરીકે પણ થાય છે અને તેના સેવનથી બી12 અને કેલ્શિયમ જેવા અનેક પોષક તત્વો મળી રહે છે.