Panchmahal: પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ (GFL) કંપનીમાં થયેલા ગંભીર ગેસ લીકેજને કારણે એક વધુ કામદારનું મોત થયું છે, જેનાથી મૃત્યુઆંક બે પર પહોંચ્યો છે. આ ઘટનામાં કુલ 13 કામદારો ગેસની અસરથી બીમાર થયા હતા. તેઓને શરૂઆતમાં હાલોલની હોસ્પિટલમાં અને પછી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મૃતક કામદારની ઓળખ અને પરિવારનો આઘાત
આ ઘટનામાં મૃત્યુ પામનાર બીજા કામદાર સંજયભાઈ મહિડા હતા, જેઓ છેલ્લા 15 વર્ષથી કંપનીમાં લેબ ટેકનિશિયન તરીકે કામ કરતા હતા. તેઓ વડોદરાથી રોજ અપડાઉન કરતા હતા અને તેમના પરિવારમાં 13 વર્ષની દીકરી અને પત્ની છે. સંજયભાઈના ભાઈ દિલાવરસિંહે જણાવ્યું કે ગેસ એટલો પ્રચંડ હતો કે તેમનો ભાઈ પાછળના દરવાજેથી ભાગવાનો પ્રયાસ કરવા છતાં શ્વાસ રૂંધાવાથી બેભાન થઈ ગયો હતો.

પરિવારનો કંપની પર ગંભીર આક્ષેપ અને માંગણી
પરિવારે કંપની પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ઘટનાની જાણ તેમને કંપની દ્વારા નહીં, પરંતુ મીડિયા દ્વારા થઈ હતી. ઉપરાંત, વર્ષ 2021માં પણ આવી જ ઘટના બની હોવા છતાં તેનું પુનરાવર્તન થયું તે અંગે પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે. કંપની દ્વારા હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ આર્થિક સહાય અંગે હજુ સુધી માત્ર મૌખિક ખાતરી આપવામાં આવી છે.
મૃતકના પરિવારે સરકાર અને કંપની પાસે તાત્કાલિક આર્થિક સહાયની જાહેરાત કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે કોઈ પણ સહાયથી માણસનો જીવ પાછો નહીં આવે, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક ટેકો મળી શકે છે. હાલમાં, અન્ય ત્રણથી ચાર કામદારોની હાલત ગંભીર છે.