Panchmahal: રણજીતનગરના કેમિકલ પ્લાન્ટમાં રિએક્ટર ફાટ્યું, ગેસ લીકેજ થતાં કંપનીના મંદિરમાં શ્રાદ્ધ વિધિ કરી રહેલા પૂજારીનું શ્વાસ રુંધાતા મોત

ગુજરાત ફ્લોરલ કેમિકલ કંપની લિમિટેડના VFC પ્લાન્ટમાં બપોરના સમયે બ્લાસ્ટ થયો. ગેસ લીકેજથી 20થી વધુ કામદારોની તબિયત લથડતા તમામને ગોધરા, હાલોલ અને વડોદરાની હોસ્પિટલમાં લઈ જવાયા.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Wed 10 Sep 2025 11:31 PM (IST)Updated: Wed 10 Sep 2025 11:31 PM (IST)
panchmahal-news-gujarat-floral-chemical-company-blast-one-dead-20-kamdar-admit-in-hospital-601066
HIGHLIGHTS
  • ગેસ લીકેજની ઘટનાથી રણજીતપુરા ગામમાં એમ્બ્યુલન્સની સાયરનો ગુંજી ઉઠી
  • પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો, સ્કૂલમાંથી વિદ્યાર્થીઓને રજા આપી

Panchmahal: પંચમહાલ જિલ્લામાં એક બાદ એક દુર્ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં ગણેશ વિસર્જનની સાંજે પાવાગઢ ખાતે ગુડ્સ રોપ-વે તૂટી પડતાં છ કામદારોનાં મોત નિપજ્યાં હતાં. જે બાદ આજે ફરી એક ગંભીર બનાવ રણજીતનગર ગામે સામે આવ્યો છે. જેમાં ઘોઘંબા તાલુકાના રણજીતનગર ગામે આવેલી ગુજરાત ફ્લોરલ કેમિકલ લી. (GFL) કંપનીના VFC પ્લાન્ટમાં બપોરના સમયે અચાનક રીએક્ટર ફાટતાં ભારે અવાજ સાથે ગેસ લીકેજ થયો હતો. આ ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કામદારોમાં હાહાકાર મચી જતાં ભયનો માહોલ સર્જાયો હતો.

મળતી પ્રાથમિક માહિતી મુજબ ગેસની અસરથી 20થી વધુ કામદારો ગંભીર રીતે અસરગ્રસ્ત થયા છે. તેમને તાત્કાલિક ગોધરા, હાલોલ તથા વડોદરાની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલો સુધી ખસેડવામાં આવ્યાં છે.

બીજી તરફ કંપનીના પરિસરમાં આવેલા મંદિરમાં હાલોલના નિવાસી પૂજારી હરેશ વ્યાસ શ્રાદ્ ધવિધિ કરી રહ્યા હતા. પ્લાન્ટ નજીક હોવાથી ગેસની સીધી અસર તેમના પર પડી હતી. જેમનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

આકસ્મિક ગેસ લીકેજની જાણ થતા ગામમાં એમ્બ્યુલન્સના સાયરન ગૂંજી ઉઠ્યાં હતાં અને લોકોમાં ભય ફેલાઈ ગયો હતો. આ ઘટનાની ગંભીરતા જોતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આસપાસનો વિસ્તાર કોર્ડન કરી રસ્તાઓ બંધ કરી દીધા હતા. નજીકની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપવામાં આવી હતી.

જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. હજી સુધી ગેસ લીકેજથી અસરગ્રસ્તોની સંખ્યામાં વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ બનાવે પંચમહાલ જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.