Geniben Thakor Latest News: બનાસકાંઠા જિલ્લાના વાવ, સુઇગામ સહિત અનેક તાલુકાના ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઇ હતી. હજી પણ અનેક ગામોમાં ત્રણથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે. બે દિવસથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ બનાસકાંઠા જિલ્લામાં પુરગ્રસ્ત ગામોની મુલાકાતે છે અને નિરીક્ષણ કરી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વાવના મોરીખા ગામમાં પહોંચ્યા હતા. વરસાદે વિરામ લીધા પછી પણ મોરીખા ગામમાં પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા છે. પુરગ્રસ્ત આ ગામનો તાગ મળેવવા માટે ગેનબેન પાંચ ફૂટ પાણીમાં ઉતર્યા હતા.
વરસાદી પાણીના નિકાલ માટે દિવાળ તોડાશે
સાંસદ ગેનીબેન ઠાકોરે વીડિયો શેર કરતા લખ્યું છેકે, વાવ તાલુકાના મોરીખા ગામે અતિવૃષ્ટિના કારણે વારંવાર વરસાદી પાણીથી આ ગામ તળ આખું ડુબમાં જાય છે. પરિણામે ગામના તમામ પરિવારોને સ્થળાંતર કરવું પડે છે. આજે સ્કૂલમાં તમામ પરિવારોની મુલાકાત લીધી હતી. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે સ્થળ ઉપર જઈને શિવ મંદિરની પાછળ બનાવેલ દિવાલ તોડવા માટે ગામના યુવાનોને જવાબદારી સોંપી હતી.
પાંચ ફૂટ પાણીમાં ચાલીને સ્થળ નિરીક્ષણ કર્યું
તેમણે વધુમાં લખ્યું છેકે, જેસીબી તેમજ અન્ય મશીનરી ત્યાં જઈ શકે તેવી સ્થિતિ ન હોવાથી ગામના સરપંચ તેમજ ગામના યુવાનો સાથે કેપી ગઢવી અને અમો સૌએ પાંચ ફૂટ પાણીમાં ચાલીને સ્થળ નિરીક્ષણ કર્યું છે. આટલી પરિસ્થિતિ ખરાબ હોવા છતાં વહીવટી તંત્રએ આ ગામની મુલાકાત લીધી નથી અને પાણીના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 11 સપ્ટેમ્બરના રોજ પૂરગ્રસ્ત બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. મુખ્યમંત્રીએ સુઈગામ, વાવ અને થરાદ તાલુકાના અસરગ્રસ્ત લોકોને મળી તેમની મુશ્કેલીઓ સાંભળી હતી. જેને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાને પગલે સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં જિલ્લા કલેકટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા ડોર ટુ ડોર સર્વે હાથ ધરાયો છે.

પૂરગ્રસ્ત તાલુકાઓમાં સર્વેની કામગીરી પૂરજોશમાં
સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્ર દ્વારા અલગ-અલગ કુલ 100 થી વધારે ટીમો બનાવી સર્વે હાથ ધરાયો છે. સર્વે ટીમો હાલમાં ઢીંચણ સમા પાણીમાં પણ વરસાદથી થયેલ નુકશાનની સર્વે કામગીરીમાં જોતરાઇ છે.

સર્વેમાં ઘરોમાં પાણી ભરાવાથી થયેલ નુકસાનનું મૂલ્યાંકન, ઘરમાં રહેલા લોકોની ખોરાક, પાણી અને આરોગ્ય સંબંધિત તાત્કાલિક જરૂરિયાતો, મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને થતી મુશ્કેલીની નોંધણી, તાત્કાલિક દવાઓ તથા આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા અંગે માહિતી મેળવી પૂરગ્રસ્ત નાગરિકોને સરકાર તરફથી મળનારી સહાય માટેની જરૂરી વિગતોનો અહેવાલ તૈયાર કરવામાં આવશે. નાગરિકોને કોઈપણ પ્રકારની સમસ્યા ના રહે એ માટે રેવન્યુ સ્ટાફ સતત કામગીરી કરી રહ્યો છે.

