Palanpur News: બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવ સુઈગામ અને થરાદમાં થયેલી પૂરની પરિસ્થિતિના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના વરસાદ પ્રભાવિત વિસ્તારોની સ્થિતિના નિરીક્ષણ માટે આવેલા હતા. જે દરમિયાન તેમણે પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં રાત્રી રોકાણ કરી આજે વાવ તાલુકાના માડકા ગામની મુલાકાત કરી હતી. જ્યાં તેમણે સ્થાનિક પૂર અસરગ્રસ્ત લોકો સાથે સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીએ પૂર અસરગ્રતોની મુશ્કેલીઓ અને રજૂઆત સાંભળી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને આશ્વાસન આપતાં કહ્યું કે ચિંતા ન કરો, સરકાર તમારી સાથે છે. પાણી ભરાવવાની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટેનું આયોજન કરવું તે સરકારની પ્રાથમિકતા છે. જેથી વારંવાર પૂરની પરિસ્થિતિ વચ્ચે થી આ વિસ્તારના લોકોને બચાવી શકાય. વધુમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા વહીવટીતંત્ર તરફથી તમામ રાહત સામગ્રી અને સહાય તાત્કાલિક ધોરણે પહોંચતી થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા સૂચન કર્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત સાંસદ ગેનીબેન ઠાકોરે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જિલ્લા વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. પૂરની પરિસ્થિતિમાં સરકારે આ વિસ્તારના પ્રજાજનો માટે સંવેદનશીલ બનીને કામ કર્યું છે. સાંસદ ગેનીબેન ઠાકોરે સરહદી વિસ્તાર પ્રત્યે મુખ્યમંત્રીની સંવેદનાને વખાણી એમનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો

માડકા ગામે યોજાયેલા લોક સંવાદમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર, જિલ્લા કલેકટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે, આગેવાન ગુમાનસિંહ ચૌહાણ, કનુભાઈ વ્યાસ તેમજ માડકા ગામ ના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
