Banaskantha flood update: બનાસકાંઠા જિલ્લામાં તાજેતરના વરસાદને કારણે માર્ગ અને મકાન (પંચાયત) વિભાગ હસ્તકના કુલ 48 રસ્તાઓ અસરગ્રસ્ત બન્યા હતા. જિલ્લા કલેકટર મિહીર પટેલના નેતૃત્વમાં તંત્રની સાથે માર્ગ અને મકાન વિભાગે પણ અસરકારક કામગીરી કરીને તૂટેલા રસ્તાઓનું તત્કાલિક સમારકામ કરીને વાહન વ્યવહાર પુનઃ મોટરેબલ કરવામાં આવ્યો છે.
પંચાયત હસ્તકના ગ્રામીણ વિસ્તારમાં આવેલા 48 તૂટેલા રસ્તાઓ પૈકી 29 રસ્તાઓ પુનઃ મોટરેબલ કરાયા છે જ્યારે 19 રસ્તાઓના સમારકામની કામગીરી ચાલુ છે. એકબીજા ગામને આંતરિક જોડતા રસ્તાઓની કામગીરી યુદ્ધના ધોરણે થઈ રહી છે.

પંચાયત હસ્તકના થરાદ તાલુકામાં 14 માંથી 11 રસ્તાઓ, વાવ તાલુકામાં 15 માંથી 9 રસ્તાઓ, સુઈગામ તાલુકામાં 6 માંથી 1 રસ્તો, ધાનેરા તાલુકાના તમામ 2 રસ્તાઓ, દાંતીવાડા, ડીસા અને ભાભર તાલુકાના 1 - 1 રસ્તાઓ ખુલ્લા કરવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે તેમજ બંધ રસ્તાઓને વહેલી તકે શરૂ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. નાગરિકોને વિનંતી છે કે બંધ રસ્તાઓ પર અવરજવર ન કરે અને સલામત માર્ગોનો જ ઉપયોગ કરે.