Banaskantha: બનાસકાંઠા જિલ્લા માટે શનિવાર ગોઝારો સાબિત થયો હોય, તેમ ગઈકાલ મોડી રાતથી અત્યાર સુધીમાં એક પછી એક 3 અકસ્માતના બનાવ સામે આવ્યા છે. જેમાં 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે, જ્યારે એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
ત્રિશુલિયા ઘાટમાં ટ્રેલર પલટી જતાં ડ્રાઈવર લોખંડના સળિયા નીચે ચગદાઈ મોતને ભેટ્યો
પ્રથમ ઘટના ગઈકાલે મોડી રાતે અંબાજી-દાંતા રોડ પર આવેલા ત્રિશુલિયા ઘાટ પર બની હતી. જેમાં લોખંડના સળિયા ભરેલુ ટ્રેલર ત્રિલુલિયા ઘાટ પરથી પસાર થઈ રહ્યું હતુ, ત્યારે અચાનક પલટી મારી ગયું હતુ. જેમાં લોખંડના સળિયા વચ્ચે ટ્રેલરનો ડ્રાઈવર ફસાઈ જતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતુ.
આ બાબતની જાણ થતાં સ્થાનિક પોલીસ, મામલતદાર અને ફાયર બ્રિગેડની ટીમ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે પાલનપુરની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
આ દરમિયાન અન્ય એક ટ્રેલરની બ્રેક ફેઈલ થઈ જતાં તેના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જે બાદ બેકાબુ ટ્રેલરે રેસ્ક્યુ કરી રહેલા પોલીસના બે વાહનોને ઠોકરે ચડાવ્યા હતા. સદ્દનસીબે સમયસૂચક્તા વાપરીનો લોકો આઘાપાછા થઈ જતાં કોઈ જાનહાનિ નથી થઈ.
બીજો અકસ્માત દાંતા-પાલનપુર નેશનલ હાઈવે પર પુનજપુર પેટ્રોલપંપ નજીક સર્જાયો છે. જેમાં એક પિકઅપ ડાલાએ ટક્કર મારતા એક યુવક મોતને ભેટ્યો છે. આ ઘટનાની જાણ થતાં દાંતા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી તપાસ હાથ ધરતા મૃતક રાજસ્થાનનો વતની હોવાનું માલૂમ પડ્યું છે.