Banaskantha Floods: 5 દિવસ પછી પુરગ્રસ્ત વિસ્તારમાં પહોંચેલા વાવના ધારાસભ્ય સ્વરુપજી ઠાકોર લોકોના રોષનો ભોગ બન્યા

વાવની ચૂંટણી હતી અને તે સમયે આખી ગુજરાતની ભાજપ સરકાર વાવમાં હતી. જ્યારે આજે વાવના લોકોને જરૂર છે, ત્યારે ધારાસભ્ય ખુદ વિસ્તારમાં પહોંચ્યા નથી.

By: Mukesh JoshiEdited By: Mukesh Joshi Publish Date: Sat 13 Sep 2025 11:50 AM (IST)Updated: Sat 13 Sep 2025 11:50 AM (IST)
banaskantha-floods-vav-mla-swaroopji-thakor-visited-affected-area-602428

Wav MLA Swaroopji Thakor: બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી તારાજીના દ્રશ્યો છેલ્લા પાંચ દિવસથી સામે આવી રહ્યા છે. આ દરમિયાન, વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પાંચ દિવસ બાદ લોકોની વચ્ચે પહોંચતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તેમણે ધારાસભ્યને આડે હાથ લીધા હતા.

લોકોની મુખ્ય ફરિયાદ:

  • ગ્રામજનોએ સ્વરૂપજી ઠાકોર પર આરોપ લગાવ્યો કે તેમણે લોકોના ફોન ઉપાડ્યા નથી. કેટલાક લોકોએ ત્રણ દિવસ પહેલા ફોન કર્યા હોવા છતાં તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો.
  • વાવના અનેક ગામો હજુ પણ પાણીમાં ગરકાવ છે અને કેટલાક ગામોમાં પાણી ઓસર્યા નથી. કેટલાક ગામોમાં હજુ પણ ફૂડ પેકેટ પહોંચ્યા નથી.
  • ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે લોકોને કહ્યું કે, ફૂડ પેકેટ સહિતની વસ્તુઓ લેવા માટે તેમને જાતે જ જવું પડશે, કારણ કે કોઈ વાહન નથી. તેમણે જણાવ્યું કે સુઈગામ ખાતે ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવી છે અને ત્યાંથી બોટ મારફતે થોડે અંતર સુધી પહોંચશે, પરંતુ બાકીનું અંતર લોકોએ જાતે કાપવું પડશે. લોકોએ આ વાતને લૂલો બચાવ ગણાવી હતી.

લોકોના રોષનું કારણ અને તેમની અપેક્ષાઓ:

  • લોકો આક્રમક અને રોષે ભરાયેલા હતા કારણ કે થોડા સમય પહેલા જ વાવની ચૂંટણી હતી અને તે સમયે આખી ગુજરાતની ભાજપ સરકાર વાવમાં હતી. જ્યારે આજે વાવના લોકોને જરૂર છે, ત્યારે ધારાસભ્ય ખુદ વિસ્તારમાં પહોંચ્યા નથી.
  • જનતાએ સ્વરૂપજી ઠાકોરને યાદ અપાવ્યું કે તેમણે તેમને મત આપીને ચૂંટ્યા છે અને તેમની ફરજ છે કે વિસ્તારના લોકોને કોઈ સમસ્યા ન પહોંચે, ખાસ કરીને આવી આફતની સ્થિતિમાં.
  • વાવ, સુઈગામ અને થરાદના એક એક ગામની જવાબદારી તેમની છે. તેમણે સરકારમાં રજૂઆત કરવી જોઈએ અને મદદ પહોંચાડવી જોઈએ. જો તેઓ એકલા ન પહોંચાડી શકે તો તેમને જીતાડનાર સંગઠનને પણ બોલાવીને મદદ માંગવી જોઈએ.
  • લોકોનું કહેવું છે કે સ્વરૂપજીએ માત્ર જીત માટે નહીં, પરંતુ લોકોની જરૂરિયાત હોય ત્યારે પણ ઊભા રહેવું જોઈએ. જો તેઓ આમ નહીં કરે તો તેમને વાવ, સુઇગામ અને થરાદના ગામે ગામ જનતાના રોષનો સામનો કરવો પડશે. આ તરફ, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ગળાડૂબ પાણીમાં પહોંચી રહ્યા હોવાના સમાચાર પણ સામે આવ્યા છે.