Suigam, Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં પડેલા અતિભારે વરસાદે વિનાશ વેર્યો છે. જિલ્લામાં વર્ષ 2015 અને 2017ના પૂર કરતા પણ સ્થિતિ વધુ ગંભીર બની છે. વરસાદ બંધ થયાના દિવસો પછી પણ સુઈગામ તાલુકામાં હજુ બોટ અને ટ્રેક્ટર સિવાય ચાલીને જઈ શક્ય નથી લાગી રહ્યું. વાવ અને થરાદ તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં પાંચથી આઠ ફૂટ જેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. પૂરના પાણી ઘરોમાં ઘૂસી જતા લોકો ઊંચાઈ વાળા વિસ્તારમાં પોતાનો જીવ બચાવવા માટે જતા રહ્યા છે.
ચોમાસા દરમ્યાન તાત્કાલિક સહાય માટે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં કન્ટ્રોલ રૂમ નંબર સક્રિય છે. કોઈપણ આપત્તિ કે ઈમરજન્સી દરમ્યાન તરત જ નીચેના નંબર પર સંપર્ક કરો: 📞 જિલ્લા કન્ટ્રોલ રૂમ: 02742-250627 / 251627 તમામ તાલુકાના નંબર માટે યાદી નીચે મુજબ છે.📷@CMOGuj @InfoGujarat pic.twitter.com/IwPKhKcBme
— Collector & DM Banaskantha (@CollectorBK) June 19, 2025
લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો
અસરગ્રસ્ત વિસ્તારના લોકો પીવાના પાણી અને જમવા માટે પણ ફાંફાં મારી રહ્યા છે. એટલું જ નહીં, સૂઇગામ, વાવ અને થરાદમાં પૂરથી ખેતીનો તમામ પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે. ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગુરુવારે અને શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઈ નિરીક્ષણ કર્યું અને લોકો સાથે સંવાદ કર્યો હતો.

લોકોએ સરકારી કચેરીઓમાં આશરો લીધો
સુઈગામ, વાવ, થરાદ અને ભાભર તાલુકામાં 19 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેના પગલે અચાનક પાણી આવી જતા લોકો પોતાનો અને અબોલ પશુઓનો જીવ બચાવવા માટે અન્ય જગ્યાઓ પર સ્થળાંતર કરી રહ્યા છે. વિસ્તારમાં આવેલી શાળાઓ, આંગણવાડી કેન્દ્રો અને કચેરીઓમાં આશરો લીધો હતો. કેટલાક લોકોએ ધાબા પર આશરો મેળવ્યો હતો.

મોરીખા ગામે વરસાદે વિરામ લીધાના ત્રણ દિવસ પછી પાણી ઓસર્યા નથી. હજુ પણ લોકો કેડ સુધીના પાણીમાંથી બહાર નિકળ્યાં જોવા મળી રહ્યા છે. હવે લોકોએ ઘરમાં પલળી ગયેલ ઘરવખરી સહિતનો સરસામાન બહાર કાઢવા માટેની કામગીરી હાથ ધરી છે. અસરગ્રસ્ત ચાર તાલુકાના ગામોમાં ઘરવખરી, કપડાં અને ખેતી ઉપજનો સંગ્રહ કરેલો જથ્થો પલળી ગયો હતો અને આ જથ્થો અને ઘરવખરી બહાર કાઢવાની કામગીરી શરૂ કરી છે.
સુઇગામની સ્થિતિ વધુ ખરાબ
સુઇગામમાં એક ફૂટ જેટલું પાણી ઉતર્યું છે. પરંતુ બોટ કે ટ્રેક્ટર સિવાય અવર જવર થઇ શકતી નથી. સુઈગામ, થરાદ, વાવના અસરગ્રસ્ત વિસ્તારમાં પાણી નિકાલ માટે નક્કર આયોજનનો સરકારે પાસે અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે ભારે વરસાદમાં સુઈગામ, વાવ, થરાદ તાલુકાની સ્થિતિ દર વર્ષે વિકટ બને છે. વરસાદના ચાર દિવસ બાદ પણ જનજીવન સામાન્ય થયું નથી. આરોગ્ય વિભાગની વિવિધ ટીમો, વીજ વિભાગની ટીમો સહિત વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.