Navsari News: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના પેથાણ ગામમાં એક કરુણ ઘટના બની છે. ગામમાં ધાબા પર ચાલી રહેલા વોટર પ્રૂફિંગના કામ દરમિયાન વીજ કરંટ લાગવાથી એક યુવાનનું મોત થયું છે. યુવકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આઠ મહિનાના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી માહિતી મુજબ, મધ્ય પ્રદેશના અલીરાજપુરનો રહેવાસી અને નવસારીમાં કડિયાકામ કરતો 25 વર્ષીય કૈલાશ ચૌહાણ નવસારીના જલાલપોર તાલુકાના પેથાણ ગામમાં ધાબા પર ચાલતા વોટર પ્રૂફિંગના કામમાં ટેમ્પરરી લિફ્ટથી માલ સમાન ચડાવી રહ્યો હતો. તે દરમ્યાન તેને કરંટ લાગ્યો હતો.
ગંભીર રીતે ઘવાયેલા કૈલાશને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા નવસારીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કૈલાશના અકાળે અવસાનથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યો છે. તેના આઠ મહિનાના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી છે, પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક અઠવાડિયામાં વીજ કરંટ લાગવાથી નવસારી જિલ્લામાં આ ત્રીજું મૃત્યુ છે. આ પહેલા, ગણપતિ આગમન દરમિયાન પણ બે યુવાનોને વીજ કરંટ લાગતા તેમનું મૃત્યુ થયું હતું.