Ahmedabad News: અમદાવાદમાં બે દિવસ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના નારોલ વિસ્તારમાં એક દંપતી એક્ટિવા પર જઇ રહ્યું હતું ત્યારે 3 ફૂટ ભરાયેલા વરસાદી પાણીમાંથી પસાર થતી વખતે અચાનક ખાડો આવ્યો હતો અને તેમને વીજ કરંટ લાગ્યો હતો. કંરટ લાગતા દંપતી નીચે પટકાયું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દંપતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જોકે તબીબે મૃત જાહેર કર્યા હતા.
પાણી ભરેલો ખાડો આવ્યો અને વીજ કરંટ લાગ્યો
બનાવની પ્રાપ્ત વિગત નારોલ પોલીસ સ્ટેશન નજીક રુદ્ર ગ્રીન ફ્લેટ આવેલું છે. આ ફ્લેટમાં રહેતા રાજનભાઈ સિંગલ અને તેમના પત્ની અંકિતાબેન સિંગલ એક્ટિવા લઇને ગઇકાલે રાત્રે નારોલની મટનગલી રોડ પરથી પસાર થઇ રહ્યાં હતા. રોડ પર ત્રણ ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયેલા હતા. જે દરમિયાન એક મોટો ખાડો આવ્યો હતો. એક્ટિવા આ ખાડામાંથી પસાર થતાં જ કરંટ લાગ્યો હતો અને દંપતી એક્ટીવા પરથી નીચે પટકાયું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા. વરસાદી પાણીમાં વીજ કરંટ હોવાથી વીજ કંપની અને ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.
બેભાન હાલતમાં હોસ્પિટલ લઇ જવાયા હતા
બનાવની જાણ થયાં બાદ ફાયર વિભાગની ટીમ અને વીજ કંપનીની ટીમ પહોંચી હતી. વીજ પૂરવઠો બંધ કરી દંપતીને બેભાન હાલતમાં બહાર કાઢી 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. જ્યાં ફરજ પરના તબીબે દંપતીને મૃત જાહેર કર્યું હતું. બનાવની જાણ થતાં નારોલ પોલીસ પહોંચી હતી.
મૃતદેહને પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. ઘટના અંગે મનપાના અધિકારીએ જણાવ્યા અનુસાર, મોટા વાહનો પસાર થતાં હોવાથી આ રસ્તા પર ખાડાઓ છે અને અંદાજે 4 ફૂટ જેટલું પાણી ભરાયું છે. કંરટ લાગવાથી એક્ટિવા સવાર બન્નેના મોત નીપજ્યા હોવાની વિગતો પોલીસ અને ફાયરની ટીમ પાસેથી મળી છે. ટોરેન્ટ દ્વારા કેબલ અને લાઇનોની ચકસાણી હાથ ધરાઇ છે.