Sardar Sarovar Dam Water Level: નર્મદા નદી પર આવેલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સતત વધતી જાય છે. ચાલુ સીઝનમાં બીજી વાર ડેમની સપાટી 136 મીટરનો આંક પાર કરી ગઈ છે. હાલ ડેમની સપાટી 136.09 મીટરે પહોંચી છે. મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા નર્મદામાં પાણીની આવક વધી રહી છે. ઉપરવાસમાંથી હાલમાં 1,13,045 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેના મુકાબલે નર્મદા ડેમના 5 ગેટ 1.42 મીટર સુધી ખોલી દેવામાં આવ્યા છે, જેના દ્વારા 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જાવક કરવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમને છલોછલ ભરવામાં આવશે
નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થવાને કારણે રાજ્ય સરકારની તરફથી 17 સપ્ટેમ્બરના રોજ ડેમને મહત્તમ સપાટી સુધી ભરી દેવાની તૈયારી છે. ખાસ વાત એ છે કે આ જ દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. દર વર્ષે નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નિમિત્તે નર્મદા ડેમને છલોછલ ભરવામાં આવે છે. આ પરંપરા હેઠળ આ વર્ષે પણ રાજ્ય સરકાર ડેમને મહત્તમ સપાટી સુધી પહોંચાડી પ્રધાનમંત્રીને વિશેષ ભેટ રૂપે અર્પણ કરશે એવી સંભાવના છે.
પાણીના દ્રશ્યો સૌંદર્ય વધારશે
ડેમની વધતી સપાટી સાથે જ નર્મદા પરિસરમાં પાણીના દ્રશ્યો સૌંદર્ય વધારી રહ્યા છે. સાથે જ ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે તથા પીવાના પાણીની સુવિધા પણ મજબૂત બનશે. 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમ મહત્તમ સપાટી સુધી પહોંચશે તે નક્કી માનવામાં આવે છે. રાજ્ય સરકાર તરફથી ડેમના વધામણા કરવામાં આવે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.