Sardar Sarovar Dam Water Level: રાજપીપળા નજીક આવેલ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. મધ્યપ્રદેશના ઓંકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા આ સીઝનમાં બીજી વાર નર્મદા ડેમની સપાટી 136 મીટર પાર થઈ છે. હાલ ડેમની જળસપાટી 136.09 મીટરે પહોંચી છે અને ડેમ 92 ટકા ભરાયો છે.
પાણીનો પ્રવાહ વધ્યો
માહિતી મુજબ ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણી આવતાં ડેમમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે. ઓંકારેશ્વર ડેમમાંથી છોડાયેલા પાણી સાથે પાવરહાઉસના પાણી મળીને કુલ 1.20 લાખ ક્યુસેક પાણી નર્મદા ડેમમાં આવી રહ્યું છે. પાણીની આવક વધતા ડેમના 5 ગેટ 1.42 મીટર સુધી ખોલવામાં આવ્યા છે અને દર સેકન્ડે 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો
તંત્રની સતત નજર
નર્મદા કંટ્રોલ ઓથોરિટી ડેમની જળસપાટી અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ખાસ કરીને આગામી 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચે તે માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
પીએમ મોદીના જન્મદિવસને લઇને ખાસ તૈયારી
ઉલ્લેખનીય છે કે દર વર્ષે વડાપ્રધાનના જન્મદિવસે નર્મદા ડેમને તેની સંપૂર્ણ સપાટી સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. આ પ્રસંગે ડેમની સૌંદર્યવૃદ્ધિ સાથે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. જોકે હાલ ઉપરવાસમાં વરસાદે વિરામ લીધો છે, તેથી આગામી દિવસોમાં પાણીની આવક પર સૌની નજર ટકી રહી છે. નર્મદા ડેમની વધતી સપાટી માત્ર ગુજરાત માટે જ નહીં પરંતુ પડોશી રાજ્યોમાં સિંચાઈ અને પીવાના પાણીની ઉપલબ્ધતા માટે પણ આશાસ્પદ માનવામાં આવી રહી છે.