Ganghinagar: ગુજરાતમાં આગામી તારીખ 17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી યોજાશે સ્વચ્છતા હી સેવા અભિયાન, સફાઈ ઝુંબેશ અને સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરાશે

આગામી તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં “સ્વચ્છોત્સવ”ની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Thu 11 Sep 2025 04:09 PM (IST)Updated: Thu 11 Sep 2025 04:09 PM (IST)
swachhata-hi-seva-abhiyan-begins-in-gujarat-sept-17-oct-31-601416
HIGHLIGHTS
  • ત્રણ પખવાડિયા સુધી રાજ્યના મહાનગરો, નગરો, ગામડાઓ અને સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળો ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
  • રાજ્યના તમામ શહેરોમાં સ્વચ્છતા લક્ષિત એકમો (CTU) અને બ્લેક સ્પોટને ઓળખવામાં આવશે.

Gandhinagar News: મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કાર્યભાળ સંભાળતાની સાથે જ વર્ષ 2014થી રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન”નો પ્રારંભ કરાવ્યો હતો. આગામી તારીખ 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના રોજ આ અભિયાનના 11 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા-2025” અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 2 ઓક્ટોબર સુધીના પખવાડિયા દરમિયાન દેશભરમાં “સ્વચ્છોત્સવ”ની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકારે એક ડગલું આગળ વધારીને “નિર્મળ ગુજરાત 2.0” અને આગામી “સ્વચ્છતા સર્વેક્ષણ”ને ધ્યાનમાં રાખીને “સ્વચ્છતા હી સેવા-2025” અંતર્ગત યોજાનાર સ્વચ્છોત્સવ અભિયાનની અવધી લંબાવવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં હવે આ અભિયાન તારીખ 17 સપ્ટેમ્બરથી તારીખ 31 ઓક્ટોબર સુધી યોજાશે. એટલે કે, ગુજરાતમાં માત્ર એક જ પખવાડિયું નહિ, પરંતુ ત્રણ પખવાડિયા સુધી રાજ્યના મહાનગરો, નગરો, ગામડાઓ અને સરકારી કચેરીઓ સહિતના જાહેર સ્થળો ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગ તરફથી પ્રાપ્ત વિગતો અનુસાર આ અભિયાન અંતર્ગત ગુજરાતના મહાનગરપાલિકા અને નગરપાલિકાના ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ્સ, ક્લીનલીનેસ ટાર્ગેટ યુનિટ, બ્લેક સ્પોટ, બજારો, માર્ગો, વાણિજ્ય વિસ્તારો અને રહેણાંક વિસ્તારોની સાફ-સફાઈ માટે જનભાગીદારી અને સ્વયંસેવી સંસ્થાના સહયોગથી દૈનિક ધોરણે સ્વચ્છતા કાર્યક્રમો યોજવામાં આવશે. સાથે જ, રાજ્યના તમામ શહેરોમાં સ્વચ્છતા લક્ષિત એકમો (CTU) અને બ્લેક સ્પોટને ઓળખવામાં આવશે અને આ અભિયાન દરમિયાન તમામ CTUની સફાઈ કરીને તેનું પરિવર્તન કરવામાં આવશે.

આ ઉપરાંત અઠવાડિક થીમના આધારે પણ વિશેષ સ્વચ્છતા પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. જેમાં... તારીખ 17થી 22 સપ્ટેમ્બર દરમિયાન શહેરોમાં બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન, રીક્ષા, ટેક્સી અને સાયકલ સ્ટેન્ડ, જાહેર પાર્કિંગ, શહેરી વિસ્તારમાંથી પસાર થતા રીંગ રોડ, રાજ્યના ધોરી માર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ જેવા સ્થળોની સંપૂર્ણ સાફ-સફાઈ ઉપરાંત કચરાના એકત્રીકરણ અને વર્ગીકરણના તમામ સાધનોની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

તારીખ 23થી 29 સપ્ટેમ્બર દરમિયાન શહેરોમાં આવેલા ધાર્મિક સ્થળો, સંગ્રહાલયો, પ્રવાસન સ્થળો, બાગ-બગીચાઓ, ઐતિહાસિક સ્થળો, સાર્વજનિક અને રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો તેમજ ટ્રેકિંગ અને કેમ્પિંગ સ્થળોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

તારીખ 30 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબર દરમિયાન શહેરોમાં આવેલા વિવિધ નદી, તળાવ, સરોવર, દરિયાકિનારા, વરસાદી પાણીના નાળા જેવી વોટર બોડીસ અને ટ્રેસ ક્લીનર્સ સહિતના સ્થળોની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

તારીખ 7થી 13 ઓક્ટોબર દરમિયાન રાજ્યના શહેરોમાં આવેલા વિવિધ સર્કલ, ચાર રસ્તાઓ, સિગ્નલ્સ, ખુલ્લા પ્લોટ અને પ્રસ્થાપિત કરાયેલી પ્રતિમાઓ ઉપરાંત બેક લેનની સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

તારીખ 14થી 20 ઓક્ટોબર દરમિયાન રાજ્યના શહેરોમાં આવેલા વિવિધ વાણિજ્ય વિસ્તારો, APMC માર્કેટ, શાકભાજી માર્કેટ અને સ્ટ્રીટ ફૂડ માર્કેટ સહિતની વિવિધ બજારોની સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

તારીખ 21થી 27 ઓક્ટોબર દરમિયાન શહેરોમાં આવેલી તમામ સરકારી કચેરીઓ, શાળાઓ, કોલેજો, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, ખાનગી તથા સરકારી દવાખાના અને વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત સરકારી કચેરીઓમાં ભંગારનો નિકાલ, રેકર્ડ વર્ગીકરણ અને જૂના વાહનોની હરાજી જેવી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવશે.

તારીખ 28થી 31 ઓક્ટોબર દરમિયાન શહેરોના આઉટગ્રોથ વિસ્તારમાં આવેલા તમામ એન્ટ્રી પોઈન્ટથી એપ્રોચ વિસ્તાર સુધીના સ્થળો, શહેરના તમામ ફૂટપાથ, રોડ, વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ અને તેની આસપાસના વિસ્તારોની સઘન સાફ-સફાઈ હાથ ધરવામાં આવશે.

આમ, સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત આયોજિત સ્વચ્છોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યના શહેરી વિસ્તારોની જનભાગીદારીથી સાફ-સફાઈ કરવામાં આવશે અને મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવામાં પોતાનું યોગદાન આપીને ખરા અર્થમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. સ્વચ્છોત્સવને જનઆંદોલન બનાવવા માટે નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા તેમજ સ્વચ્છતા કર્મીઓના અમૂલ્ય કામને બિરદાવવા માટે પણ આ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો-પ્રવૃત્તિઓનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવશે.