Bhuj News: કચ્છમાં ભારે વરસાદ બાદ રાપર તાલુકાના મેવાસા ડેમના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા ગાગોદર નજીક એક ખેતરમાં ફસાયેલા ચાર ખેત મજૂરોને એસ.ડી.આર.એફ.ની ટીમે 8 કલાકના દિલધડક ઓપરેશન બાદ સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યા હતા.
કચ્છમાં ગઈકાલે ભારે વરસાદ બાદ રાપર તાલુકાના મેવાસા ડેમના પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા ગાગોદર નજીક ખેતરમાં કામ કરવા ગયેલા ચાર લોકો પાણી વચ્ચે ફસાઈ ગયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ કાનમેરના સરપંચ રામસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, મેવાસા ડેમનું પાણી નીચાણવાળા વિસ્તારોમાં ફરી વળતા વહીવટી તંત્ર દ્વારા રાયમા વાંઢ, જોધપર, ભીમાવાંઢ, ગણેશવાંઢ સહિતના વિસ્તારોના લોકોને સલામત ખસેડવા સૂચના આપવામાં આવી હતી. આ દરમિયાન બાબુવાંઢ અને રાયમાવાંઢના 4 ખેત મજૂરો ખેતરમાં કામ કરવા ગયા હતા. ગાગોદર નદીથી 7 કિલોમીટર અંદર આવેલા ખેતરમાં બપોરે ચારે તરફથી પાણી ફરી વળતા 4 ખેત મજૂરો ફસાઈ ગયા હતા.

ગ્રામજનો દ્વારા આ ઘટનાની જાણ થતા જ વહીવટી તંત્રને કરવામાં આવતા એસ.ડી. આર.એફની ટીમ તત્કાલ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ આ સમયે પાણીનો પ્રવાહ ખૂબ જ વધુ હોવાથી તેમજ ચારેય નાગરિકો સલામત સ્થળે સુરક્ષિત હોવાથી પાણીનું સ્તર ઓછું થતાં ઓપરેશન હાથ ધરવા નિર્ણય કરાયો હતો. જેથી વહેલી સવારે 5 વાગ્યે પાણીનું સ્તર ઓછું થતાં ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. બપોરે 12 વાગ્યા સુધીમાં એસ.ડી.આર.એફના જવાનોએ રાધૂ મલ્લુ, મનુભાઈ બાલુ, ગોવાભાઇ બાલુ, કમાભાઈ માનસિંગને 8 કલાકની જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરવામાં સફળતા મેળવી હતી.
આ પણ વાંચો
ચિત્રોડ રાપર બાલાસર નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર પૂર્વવત કરાયો
કચ્છ જિલ્લામાં ભારે વરસાદથી ચિત્રોડ રાપર બાલાસર હાઈવેને નુકસાન પહોંચ્યું હતું. પાણીના ઓવરટોપિંગ અને અમુક ભાગ પાણીના ભારે પ્રવાહના લીધે ધોવાઈ જતા નેશનલ હાઈવેને બંધ કરવામાં આવ્યો હતો. ડાવરી ગામ પાસે ક્ષતિગ્રસ્ત થયેલા નેશનલ હાઈવેને રિપેર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા મેટલ ફિલીંગ કરીને નેશનલ હાઈવેને મોટરેબલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પાણીના ભારે પ્રવાહના લીધે આગામી સમયમાં રોડ ધોવાઈ ના જાય તે માટે પાઈપ બેસાડવામાં આવી રહ્યા છે.

આ હાઈવે પર પાણીનું ઓવરટોપિંગ બંધ થતા જ હાઈવેને ટ્રાફિક માટે ખોલવામાં આવ્યો છે. કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શનમાં નેશનલ હાઈવેને રિપેર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં વરસાદનું જોર ઘટતા જ વહીવટીતંત્ર દ્વારા વિવિધ રસ્તાઓને રિપેર કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.

ભચાઉના આધોઈ-ગામડાઉ નારા રોડને મોટરેબલ કરવાની કામગીરી પ્રગતિમાં
કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે રોડ રસ્તાઓ ક્ષતિગ્રસ્ત થયા છે. કચ્છના ભચાઉ તાલુકામાં ભારે વરસાદ અને પાણીના ઓવરટોપિંગના લીધે આધોઈ ગામડાઉ નારા રોડને બંધ કરવામાં આવ્યો હતો. પાણીના પ્રવાહના લીધે આધોઈ-ગામડાઉ-નારા રોડને નુકસાન પહોંચ્યું હતું. આજે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડને ફરીથી વાહનચાલકો માટે શરૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેસીબી સહિતના સાધનોથી માટીનું પુરાણ કરીને રોડને મોટરેબલ કરવામાં આવી રહ્યો છે.