Nepal Protest News: નેપાળમાં ફાટી નિકળેલી હિંસામાં ગુજરાતના 300 જેટલા પ્રવાસીઓ ફસાઇ ગયા હતા. ફસાયેલા ગુજરાતી પ્રવાસીને પરત લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકારનો સંપર્ક કરાયો હતો. કેન્દ્રના વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાઈ છે અને નેપાળમાં ફસાયેલા ભાવનગરના 43 પ્રવાસીઓએ સુરક્ષિત ભારતની બોર્ડરમાં પ્રવેશ કર્યો છે. નેપાળના હિંસક વાતાવરણમાંથી સલામત દેશમાં પરત ફરતા પ્રવાસીઓ અને તેમના પરિવારજનોએ રાતનો શ્વાસ લીધો હતો. બોર્ડર ક્રોસ કર્યા બાદ ગોરખપુરમાં રાત્રી રોકાણ કર્યું હતું.
ગઇકાલે રાત્રે ગોરખપુર આવી પહોંચતા હાશકારો
ભાવનગરના નારીગામ, વરતેજ અને સિહોર સહિતના ગામોમાંથી નેપાળના પ્રવાસે ગયેલા 43 મુસાફરો છેલ્લા બે દિવસથી અરાજકતા, આગજનની અને તોડફોડના ગંભીર વાતાવરણમાં ફસાયા હતા. આ પ્રવાસમાં મોટાભાગના વૃદ્ધો હોવાથી તેઓ ગભરાઈ ગયા હતા. જ્યાં માર્ગો પર દેખાવકારોની રેલીઓ અને હોટેલોમાં ઉંચા દામ ચૂકવી રોકાણ કરવાની મજબૂરી હતી.ભાવનગરના રાજકીય નેતાઓ અને સ્થાનિક વહીવટી તંત્રએ તેમનો સંપર્ક કરી નેપાળમાંથી બહાર કાઢવા આશ્વાસન આપ્યું હતું. ભય અને અનિશ્ચિતતાનો સામનો કર્યા બાદ, ટુરિસ્ટ બસમાં પોખરાથી નીકળી ગયા હતા અને રાત્રિ સુધીમાં ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે સુરક્ષિત રીતે પહોંચ્યા હતા. હેમખેમ ભારતીય સરહદ પાર કરીને વતનમાં પરત ફરતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
નેપાળ પોલીસ અને સ્થાનિકોની મદદ મળી
મળતી વિગતો અનુસાર 29 ઓગસ્ટના રોજ ભાવનગરથી યાત્રિકો અને પ્રવાસીઓ સહિત 42 લોકો સ્થાનિક ટ્રાવેલ્સની બસ લઇને નેપાળ ગયા હતા. પશુપતિનાથ, મુક્તિધામ અને પોખરાની મુલાકાત લીધા બાદ જનકપુર પહોંચી હતી. જોકે સ્થિતિ વણસતા નેપાળ પોલીસ આવી પહોંચી હતી અને તાત્કાલિક નીકળી જવાની સલાહ આપી અને પાઈલોટિંગ પણ આપ્યું હતું. રસ્તામાં ટોળાએ ચાર કલાક સુધી બસને રોકી રાખી હતી, પરંતુ ભારતીય પ્રવાસીઓ હોવાથી કોઈ પણ વ્યક્તિ સાથે દુર્વ્યવહાર થયો ન હતો કે બસને નુકસાન પહોંચાડવામાં આવ્યું ન હતું. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બસ નેપાળ બોર્ડર ક્રોસ કરવામાં સફળ રહી હતી.
રાજકોટના 30થી 35 લોકો 21મી સપ્ટેમ્બર સુધીમાં પરત ફરશે
રાજકોટ જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશના જણાવ્યા અનુસાર, કાઠમંડુના અગ્રવાલ ભવનમાં રાજકોટના 50થી 55 લોકો ફસાયા હતા. ભારતના વિદેશ મંત્રાલયે મદદ કરીને મોટાભાગના લોકોને સુરક્ષિત કર્યા છે અને તેમને ભારત પાછા લાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. હાલમાં કાઠમંડુમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, અને એરપોર્ટ ફરીથી શરૂ થઈ ગયા છે. અંદાજે 30થી 35 લોકો 21મી સપ્ટેમ્બર સુધીમાં પરત ફરશે. તમામ લોકો સાથે સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે, અને તેમની યાદી સ્થાનિક મેનેજમેન્ટને પણ આપવામાં આવી છે. આ રીતે, રાજકોટના લોકોની સલામતીની ખાતરી કરવામાં આવી છે.