Anand: આણંદ સ્થિત અમૂલ ડેરીમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. જેમાં ડેરીના બાયોગેસ પ્લાન્ટમાં બલૂન બ્લાસ્ટ થતાં 7 જેટલા કામદારો ગંભીર રીતે દાઝી ગયા છે. હાલ આ તમામ ઈજાગ્રસ્તોને કરમસદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મૂજબ, અમૂલ ડેરીના બાયોગેસ ETP પ્લાન્ટ નજીક વેલ્ડિંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન બાયોગેસની લાઈનના બલુનમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટનો મોટો અવાજ સાંભળીને આસપાસ અફરાતફરી મચી જવા પામી હતી. જો કે અમૂલ દ્વારા આ દુર્ઘટના અંગે કોઈ સત્તાવાર પુષ્ઠિ નથી કરવામાં આવી.
જ્યારે પ્રાંત અધિકારી મયુર પરમારે જણાવ્યું કે, અમૂલ ડેરીની પાછળ આવેલ બાયગેસ પ્લાન્ટમાં લીકેજ થવાથી બ્લાસ્ટ થયો છે. આ સમયે પ્લાન્ટમાં આઉટસોર્સથી વેલ્ડિંગનું કામ કરતી કંપનીના સાત જેટલા કામદારો દાઝ્યા હોવાનું માલૂમ પડ્યું છે. હાલ તો તમામને સારવાર અર્થે કરમસદની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર શરૂ થઈ ગઈ છે.
આ દુર્ઘટના અંગે હાલ અમૂલની ટીમ સાથે અમારી તપાસ ચાલું છે. હાલ તો અમારી પ્રાથમિક્તા તમામ લોકો દાઝ્યા છે, તેમને સારવાર પુરી પાડવાની છે. જે બાદ આ દુર્ઘટના અંગે વિગતવાર તપાસ કરવામાં આવશે.