પરેશ ગોસ્વામીની આગાહી: ગુજરાતમાં ચોમાસું હજુ સક્રિય, 15 સપ્ટેમ્બરથી તોફાની વરસાદનો વધુ એક રાઉન્ડ આવી શકે

બંગાળની ખાડીમાં અસ્થિરતા ઉભી થઈ છે. જે સાયક્લોનિક સરક્યુલેશનમાં ફેરવાઈને આગામી દિવસોમાં ગુજરાત તરફ આવી શકે છે. જો કે સિસ્ટમ મજબૂત નહીં હોય.

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Thu 11 Sep 2025 11:46 PM (IST)Updated: Thu 11 Sep 2025 11:46 PM (IST)
paresh-goswami-ni-agahi-monsoon-active-in-gujarat-rain-raound-to-come-on-15th-september-601646
HIGHLIGHTS
  • સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડશે
  • સપ્ટેમ્બરના અંત સુધી ઉકળાટ અને બફારામાં રાહત નહીં મળે

Paresh Goswami Ni Agahi: હાલમાં જ 4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવીને ગયો. જેમાં કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિ જેવો 12 થી 15 સુધીનો વરસાદ પણ તૂટી પડ્યો હતો. છેલ્લા બે દિવસથી વરસાદે વિરામ લીધો છે અને રાજ્યનું તાપમાન ઊંચકાતા ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જેના પગલે ઘણાં લોકોને એવું લાગતું હશે કે, ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે.

જો કે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસું હજુ પણ સક્રિય છે. અત્યારે પણ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ એક અસ્થિરતા સર્જાઈ રહી છે. જે આગામી 15 અથવા 16 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં અસર કરે તેવી શક્યતા છે.

હાલ તો આ અસ્થિરતા કોઈ મોટી સિસ્ટમ ના બને અને માત્ર અસ્થિરતા જ રહે અથવા તો સાયક્લોનિક સર્ક્યુલેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ ગુજરાત તરફ આવે, તો પણ વધારે મજબૂત નહીં હોય. આથી અગાઉના વરસાદી રાઉન્ડની માફક ગુજરાતમાં સાર્વત્રિક અતિભારે વરસાદની શક્યતા નહીવત છે.

આમ છતાં આગામી 15 થી 20 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના 40 થી 50 ટકા વિસ્તારની અંદર છૂટાછવાયા મધ્યમ વરસાદી ઝાપટા પડી શકે છે. જેમાં 1 થી 2 ઈંચ તો કેટલાક વિસ્તારમાં 2 થી 4 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ વરસાદ વરસી શકે છે.

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, ચોમાસું બેઠું તે જૂન મહિનાથી અત્યાર સુધીના રાઉન્ડમાં જે વરસાદ પડ્યા, તેમાં હવામાન ઠંડુ હતુ. જો કે હવે જે વરસાદ પડશે, તેમાં ગરમી અને ઉકળાટ રહેશે. આથી ગરમી અને બફારાથી સપ્ટેમ્બર મહિનામાં રાહત મળવાની કોઈ સંભાવના નથી.