Paresh Goswami Gujarat Weather Forecast: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી જણાવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાન કેવું રહેશે. તેમના કહેવા મુજબ બંગાળની ખાડીમાં ફરીથી એક અસ્થિરતા બની રહી છે. આ અસ્થિરતા આવનારા દિવસોમાં કદાચ ગુજરાતમાં વરસાદ લઈને આવી શકે છે.
પૂર્વ વરસાદી રાઉન્ડ અને વર્તમાન સ્થિતિ
4 થી 8 સપ્ટેમ્બર દરમિયાન એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવ્યો હતો. આ રાઉન્ડમાં ગુજરાતના 80 થી 85% વિસ્તારમાં સારો વરસાદ થયો હતો, જ્યારે 15-20% વિસ્તારમાં ઓછો વરસાદ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવો વરસાદ પણ નોંધાયો હતો, એટલે કે 12 થી 15 ઇંચ સુધીનો વરસાદ પડ્યો હતો.
4 થી 8 સપ્ટેમ્બરના રાઉન્ડના અંત સુધીમાં રાજ્યમાં સરેરાશ 96% વરસાદ વરસી ચૂક્યો છે. વર્ષ 2025 ના ચોમાસાની વાર્ષિક આગાહી 98% થી 106% વરસાદની હતી. આ મુજબ, 96% વરસાદ થઈ ગયો છે અને આવનારા વરસાદના કારણે કદાચ 100% આસપાસ વરસાદ આવી જશે, જે અનુમાન મુજબ જ જોવા મળી રહ્યું છે.
બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ અને સંભવિત વરસાદ
ચોમાસું હજુ પૂર્ણ થયું નથી અને ગુજરાતમાંથી તેની વિદાયની શરૂઆત થઈ નથી. આ વચ્ચે, બંગાળની ખાડીમાં એક અસ્થિરતા બની રહી છે. જોકે, આ કોઈ મોટી સિસ્ટમ બનવાની નથી. તે માત્ર એક અસ્થિરતા રહેશે અથવા વધીને સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે તેવી શક્યતાઓ છે. આ અસ્થિરતા/સર્ક્યુલેશન લગભગ 15 અથવા 16 સપ્ટેમ્બરથી ગુજરાતમાં અસર કરે તેવી સંભાવના છે.
આ સિસ્ટમ નબળી હોવાથી અતિભારે કે સાર્વત્રિક વરસાદ થાય તેવી સંભાવના નથી. પરંતુ, 15 તારીખથી 20 તારીખ વચ્ચે રાજ્યના લગભગ 40-50% વિસ્તારમાં છૂટાછવાયા અને મધ્યમ વરસાદની શક્યતાઓ છે. અમુક વિસ્તારમાં 1 થી 2 ઇંચ અને કેટલાકમાં 2 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. આ વરસાદ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ વરસાદ થોડો તોફાની હશે, એટલે કે ગાજવીજ અને પવનનું પ્રમાણ થોડું વધારે જોવા મળશે.
હવામાન પર અસર
જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં પડેલા વરસાદથી હવામાન ઠંડું પડતું હતું, પરંતુ હવે જે વરસાદ પડશે તેનાથી હવામાન ઠંડું નહીં થાય. હાલની ગરમી, ઉકળાટ અને ઊંચા તાપમાનની પરિસ્થિતિ રાબેતા મુજબ રહેશે. જે વિસ્તારમાં વરસાદ પડશે ત્યાં વરસાદ દરમિયાન કદાચ તાપમાન થોડું નીચું આવે, પરંતુ સમગ્ર સપ્ટેમ્બર મહિના દરમિયાન ગરમી, ઉકળાટ અને બફારામાંથી કોઈ રાહત મળવાની નથી.