SEBI New Rules: મૂડી બજારની નિયમનકર્તા સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ની શુક્રવારે યોજાયેલી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે. SEBIની બેઠકમાં રોકાણકારો અને કંપનીઓ સાથે સંકળાયેલ નિર્ણય કરાયા છે. સૌથી મોટો નિર્ણય શેર વેચાણ (Share Sale)ને લગતા નિયમોને હળવા કરવામાં આવ્યા તે અંગેનો છે.
હવે મોટા પ્રારંભિક જાહેર ભરણા એટલે કે IPO રજૂ કરનારી કંપનીઓને રાહત આપવામાં આવી છે. SEBIએ મિનિમમ શેરહોલ્ડિંગને લગતા નિયમમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે.
સેબીના અધ્યક્ષ તુહિન કાંત પાંડેએ જણાવ્યું હતું કે હાલની રૂપિયા 4,000 કરોડની મર્યાદાથી આગળ ચાર નવા થ્રેશહોલ્ડ બનાવવામાં આવ્યા છે - રૂપિયા 4000 કરોડથી રૂપિયા 50000 કરોડ,રૂપિયા 50000 કરોડ થી 1 લાખ કરોડ, રૂપિયા 1 લાખ કરોડથી રૂપિયા 5 લાખ કરોડ અને રૂપિયા 5 લાખ કરોડ રૂપિયાથી વધુ બનાવવામાં આવી છે.
અન્ય શું ફેરફાર કરવામાં આવ્યા
નવા નિયમો પ્રમાણે જે કંપનીઓનું બજાર મૂડીકરણ રૂપિયા 50000 કરોડથી રૂપિયા 1 લાખ કરોડની વચ્ચે છે તેઓ હવે પાંચ વર્ષમાં 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગ પ્રાપ્ત કરી શકશે, જ્યારે અગાઉ આ સમય મર્યાદા ત્રણ વર્ષ હતી. જે કંપનીઓનું પોસ્ટ-ઇશ્યૂ માર્કેટ કેપ રૂપિયા 1 લાખ કરોડથી વધુ છે અને જો લિસ્ટિંગ સમયે પબ્લિક શેરહોલ્ડિંગ 15 ટકાથી ઓછું હોય તો તેમણે પાંચ વર્ષમાં 15 અને દસ વર્ષમાં 25 ટકા પબ્લિક શેરહોલ્ડિંગની જોગવાઈ પૂરી કરવી પડશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન નિયમો હેઠળ લિસ્ટેડ કંપનીઓએ રૂપિયા 1,000 કરોડથી વધુ અથવા કોન્સોલિડેટેડ ટર્નઓવરના 10 ટકાથી વધુના રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન (RPT) માટે શેરધારકોની મંજૂરી મેળવવી જરૂરી છે. આ નિયમ ઉચ્ચ ટર્નઓવર ધરાવતી કંપનીઓ માટે બોજારૂપ સાબિત થઈ રહ્યો હતો.
વીમા કંપનીઓ અને પેન્શન ફંડ માટે ફેરફારો
SEBIએ વીમા કંપનીઓ અને પેન્શન ફંડ માટે IPO નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે વીમા કંપનીઓ અને પેન્શન ફંડને એન્કર ક્વોટામાં વધારાનો 7 ટકા હિસ્સો મળશે. એટલે કે વીમા કંપનીઓ, પેન્શન ફંડ અને મ્યુચ્યુઅલ ફંડ (MF)ને એન્કર ક્વોટાનો કુલ 40 ટકા હિસ્સો મળશે. આ ઉપરાંત રૂપિયા 250 કરોડથી વધુના ઇશ્યૂમાં એન્કર એલોટીઝની સંખ્યા 25 થી વધારીને 30 કરવામાં આવી છે.
મ્યુચ્યુઅલ ફંડ પરનો એક્ઝિટ લોડ ઘટાડ્યો
સેબી બોર્ડ મીટિંગમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે રાહતનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મ્યુચ્યુઅલ ફંડ સ્કીમમાંથી પૈસાના અકાળ ઉપાડ પર મહત્તમ એક્ઝિટ લોડ 5 ટકાથી ઘટાડીને 3 ટકા કરવામાં આવ્યો છે.
તેનો સીધો ફાયદો તે રોકાણકારોને થશે જેમને ક્યારેક બજારની સ્થિતિ અથવા તેમની જરૂરિયાતો પ્રમાણે ભંડોળ અધવચ્ચે રિડીમ કરવું પડે છે. રોકાણકારો માટે ખર્ચ ઘટાડવા અને મ્યુચ્યુઅલ ફંડ બજારને વધુ આકર્ષક બનાવવાની દિશામાં આ પગલું મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.