Arjun Modhwadia Fake Letter: ગુજરાતમાં ફિક્સ પગારની નીતિના વિરોધમાં આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલન વચ્ચે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા દ્વારા મુખ્યમંત્રીને ફિક્સ પે કર્મચારીઓના સમર્થનમાં એક લેટર લખાયો હોય તેવો એક પત્ર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જોકે, અર્જુન મોઢવાડિયાએ પોતે ટ્વિટર પર સ્પષ્ટતા કરી છે કે આ પત્ર તેમના લેટરપેડનો ખોટો ઉપયોગ કરીને વાયરલ કરવામાં આવ્યો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું છે કે "મેં આવો કોઈ જ લેટર લખ્યો નથી".
અર્જુન મોઢવાડિયાએ વધુમાં જણાવ્યું છે કે ટેગ કરવામાં આવેલો આ લેટર ખોટો છે, અને કેટલાક બિનઅધિકૃત લોકોએ પ્રસિદ્ધિ માટે તેમના લેટરપેડનો ઉપયોગ કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરી કે તેમણે આવા કોઈ અભિયાનમાં આવું ક્યાંય લખ્યું નથી. મોઢવાડિયાએ આ પ્રકારના કૃત્યની નિંદા કરતા જણાવ્યું કે, આ કામ કર્મચારીઓના હિતમાં નુકસાન પહોંચાડી શકે તેવું છે. તેમણે ઉમેર્યું કે સરકાર સંવેદનશીલ છે અને હંમેશા વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેતી હોય છે.
ખોટા લેટરપેડ વાયરલ કરનારાઓ સામે કાર્યવાહીની ચીમકી
અર્જુન મોઢવાડિયાએ ખોટા લેટરપેડ વાયરલ કરનારાઓ સામે ચેતવણી પણ આપી છે. તેમણે કહ્યું કે આ રીતના ખોટા કોઈ રાજકીય નેતાઓના લેટરપેડનો ઉપયોગ કરી અને સમર્થન જાહેર કરવાથી આંદોલનમાં ખૂબ મોટું નુકસાન થઈ શકે છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે આ લેટર મેં નથી લખ્યો, અને જે પણ કોઈ લખીને વાયરલ કરે છે તેણે મારા લેટરનો ફેક રીતે ઉપયોગ કર્યો છે. અર્જુન મોઢવાડિયાએ અપીલ કરી છે કે જે પણ વિદ્યાર્થીઓ સુધી આ લેટર પહોંચ્યો હોય અથવા જે પણ કોઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા હોય, તેમણે આ પ્રકારના રાજકીય નેતાઓના ખોટા લેટરપેડ વાયરલ થતા હોય તેમાં પહેલા પુષ્ટિ કરવી અને પછી જ આગળ વધવું જોઈએ.