Mansukh Vasava News: ભરૂચના સાંસદ મનસુખ વસાવા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠક બાદ તેમને જ્યારે પત્રકારો દ્વારા મનરેગા યોજના, યાલ મુવી બ્રિજ, ટ્રાઇબલ યુનિવર્સિટી અને જંગલ જમીન જેવા અનેક ગંભીર મુદ્દાઓ પર સવાલો પૂછવામાં આવ્યા હતા.
મળતી માહિતી મુજબ, સંકલન સમિતિની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ જિલ્લાના વિવિધ પ્રશ્નો પર ધ્યાન દોર્યું હતું. તેમણે વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓ, ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાઓનું તાત્કાલિક રીપેરિંગ કરાવવા પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત, તેમણે યાલ મોવીના નાળાનું કામ, ખેડૂતોને સિંચાઈનો લાભ, અને સરકારી હોસ્પિટલોમાં સારી સુવિધા આપવા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની ઘટ, જર્જરિત ઓરડાઓ અને સાત વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી ટ્રાઇબલ યુનિવર્સિટીનું બાંધકામ ઝડપી પૂર્ણ કરવાની પણ માંગ કરી હતી.
મહત્ત્વનું છે કે, મનરેગા યોજનાની ટેન્ડર પ્રક્રિયા છેલ્લા બે વર્ષથી બંધ હોવાને કારણે સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, કેટલાક લોકો જૂના કામોની તપાસના નામે સમગ્ર પ્રક્રિયા રદ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે ગરીબ લોકોને મળતી રોજગારી છીનવાઈ રહી છે. તેમણે સરકારને ટેન્ડર પ્રક્રિયામાં સુધારા કરવા સૂચવ્યું, પરંતુ તેને સંપૂર્ણપણે બંધ ન કરવા વિનંતી કરી. સાંસદ વસાવાએ નર્મદા જિલ્લાને પછાતપણામાંથી બહાર કાઢવા માટે સૌને સહિયારા પ્રયાસો કરવાની અપીલ કરી હતી.