Ahmedabad: CM ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં AGCA એક્સપો ખુલ્લો મૂક્યો, 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ સહભાગી થયા

તારીખ 9 અને 10 સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનારા આ એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન થશે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Tue 09 Sep 2025 03:43 PM (IST)Updated: Tue 09 Sep 2025 03:43 PM (IST)
ahmedabad-cm-bhupendra-patel-inaugurated-agca-expo-in-ahmedabad-around-150-stalls-and-around-2500-exhibitors-participated-600147
HIGHLIGHTS
  • ખાદ્ય, પાકકળા અને પેય ઉદ્યોગોના 150થી વધુ સ્ટોલ્સમાં કેટરર્સના ઉત્પાદનોનું પ્રદર્શન આ કેટરિંગ એક્સ્પોની વિશેષતા છે.
  • આ એકસ્પોમાં ખાદ્ય અને પેય ઉદ્યોગો સાથે સંકળાયેલા દેશભરના અંદાજિત 5000થી વધુ મુલાકાતીઓ પ્રત્યક્ષ મુલાકાત લેવાના છે.

Ahmedabad News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન(AGCA) એક્સપો-2025ને ખુલ્લો મૂક્યો હતો. આ એક્સપોમાં 150 જેટલાં સ્ટોલ અને અંદાજે 2500 જેટલાં એક્ઝિબિટર્સ ભાગ લઈ રહ્યા છે. તારીખ 9 અને 10 સપ્ટેમ્બર એમ બે દિવસ યોજાનારા આ એક્સપોમાં વિવિધ દેશોની ભોજન સામગ્રી અને રસોઈકળાનું પ્રદર્શન થશે.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ વિવિધ કેટરર્સ સ્ટોલ્સની મુલાકાત લઈ કેટરર્સ એસોસિએશનના અગ્રણીઓને જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા 'મેદસ્વિતા મુક્ત ગુજરાત'નું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે આપણે પણ હેલ્થ કોન્શિયસ બની કેટરર્સ દ્વારા બનાવવામાં આવતા ખોરાકમાં તેલનો વપરાશ ઓછો કરી લોકોના સ્વાસ્થ્ય સુધારના કામમાં સહભાગી બનીએ.

ખાદ્ય, પાકકળા અને પેય ઉદ્યોગોના 150થી વધુ સ્ટોલ્સમાં કેટરર્સના ઉત્પાદનોનું પ્રદર્શન આ કેટરિંગ એક્સ્પોની વિશેષતા છે. આ ઉપરાંત, કેટરિંગ એસોસિએશનના સભ્યોને નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવા માટે વર્કશોપ અને સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું છે. કેટરિંગ એસોસિએશનના સભ્યો અને પ્રતિનિધિઓ સાથે જ્ઞાન અને અનુભવના આદાન-પ્રદાન માટેનું એક ઉત્તમ મંચ પૂરું પાડતાં આ એકસ્પોમાં ખાદ્ય અને પેય ઉદ્યોગો સાથે સંકળાયેલા દેશભરના અંદાજિત 5000થી વધુ મુલાકાતીઓ પ્રત્યક્ષ મુલાકાત લેવાના છે.

આ પ્રસંગે ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશનના પ્રમુખ ભવાનીસિંહ પુરોહિતે જણાવ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિથી આ આયોજન તથા તેમાં ભાગ લેનારા સર્વ સભ્યોના ઉત્સાહમાં અનેકગણો વધારો થયો છે. આ તકે તેમણે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. ઓલ ગુજરાત કેટરર્સ એસોસિએશન અમદાવાદના પ્રમુખ મનોજ પુરોહિત સહિત સમગ્ર રાજ્યમાંથી એસોસિએશનના સભ્યો આ એક્સપોના પ્રારંભ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.