Sachin Tendulkar, BCCI President: BCCIના વડા રોજર બિન્નીએ 70 વર્ષના થયા પછી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. BCCIનું બંધારણ કોઈપણ અધિકારીને 70 વર્ષની ઉંમર પછી કોઈપણ પદ સંભાળવાની મંજૂરી આપતું નથી. બિન્નીએ રાજીનામું આપ્યું ત્યારથી દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર BCCIના નવા વડા બનવાની અટકળો ચાલી રહી છે, પરંતુ હવે તેમની ટીમે એક નિવેદન જારી કરીને અફવાઓને નકારી કાઢી છે.
SRT સ્પોર્ટ્સ મેનેજમેન્ટે એક નિવેદન બહાર પાડ્યું
સચિન રમેશ તેંડુલકર (SRT) સ્પોર્ટ્સ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ તરફથી એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે સચિન તેંડુલકરને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ પદ માટે વિચારણા અથવા નામાંકિત કરવા અંગે કેટલીક અફવાઓ ફેલાઈ રહી છે. અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે આવું કંઈ બન્યું નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે તમામ સંબંધિત પક્ષોને પાયાવિહોણી અફવાઓ પર ધ્યાન ન આપવા વિનંતી કરીએ છીએ.
BCCIના નવા વડાની ચૂંટણી 28 સપ્ટેમ્બરે થઈ શકે છે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ 28 સપ્ટેમ્બરે તેની વાર્ષિક સામાન્ય સભા યોજાવા જઈ રહ્યું છે. આ બેઠકમાં BCCIના નવા વડા અને IPLના અધ્યક્ષની પસંદગી થઈ શકે છે. IPLના અધ્યક્ષ અરુણ કુમાર ધુમલ તેમના કુલ છ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા પછી ફરજિયાત બ્રેક (કૂલ-ઓફ પીરિયડ) પર જાય તેવી શક્યતા છે.
બીજી તરફ એવું પણ માનવામાં આવે છે કે વર્તમાન સચિવ દેવજીત સૈકિયા, સંયુક્ત સચિવ રોહન ગૌંસ દેસાઈ અને ખજાનચી પ્રભતેજ સિંહ ભાટી તેમના પદ પર ચાલુ રહેશે. રાજીવ શુક્લા હાલમાં BCCIના ઉપપ્રમુખ છે અને એવી શક્યતા છે કે તેઓ કોઈને કોઈ સ્વરૂપમાં BCCI સાથે જોડાયેલા રહેશે.