Top 5 Highest Totals In T20I: ઈંગ્લેન્ડે સાઉથ આફ્રિકા સામે ચાલી રહેલી T20 સિરીઝમાં પોતાની બેટિંગ શક્તિનું પ્રદર્શન કર્યું છે. 12 સપ્ટેમ્બર, 2025ના રોજ દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડે બે વિકેટના નુકસાને 304 રનનો વિશાળ સ્કોર ખડકીને ઇતિહાસ રચી દીધો છે. આ સ્કોર હવે T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ઇતિહાસનો ત્રીજો સૌથી મોટો સ્કોર બની ગયો છે.
મેન્ચેસ્ટર ખાતે રમાયેલી આ મેચમાં ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ આક્રમક રમતનું પ્રદર્શન કર્યું હતું. 304 રનના આ સ્કોર સાથે, ઈંગ્લેન્ડ હવે સર્વોચ્ચ T20I સ્કોરની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. આ યાદીમાં પ્રથમ સ્થાને ઝિમ્બાબ્વે છે, જેણે ઓક્ટોબર 2024માં ગેમ્બિયા સામે 344/4 રન બનાવ્યા હતા. બીજા સ્થાને નેપાળ છે, જેણે 2023માં મંગોલિયા સામે 314/3નો સ્કોર બનાવ્યો હતો.
આ મેચના પરિણામે, ભારતનો 297/6 રનનો સ્કોર, જે તેણે ઓક્ટોબર 2024માં બાંગ્લાદેશ સામે બનાવ્યો હતો, તે હવે ટોપ-3ની યાદીમાંથી બહાર થઈને ચોથા સ્થાને ખસી ગયો છે. ઈંગ્લૅન્ડની આ સિદ્ધિ ક્રિકેટ જગતમાં એક નવી સીમાચિહ્ન સમાન છે, જે T20 ક્રિકેટની ઝડપી ગતિ અને આક્રમક બેટિંગ શૈલીને દર્શાવે છે.
આ મેચમાં ઈંગ્લેન્ડ માટે ફિલ સોલ્ટે માત્ર 60 બોલમાં 141* રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી. જેમાં તેને 8 સિક્સર અને 15 ફોર ફટકારી હતી. આ સાથે જ જોશ બટલરે 83 રન, જેકબ બેથલે 26 અને કેપ્ટન હેરી બ્રુકે 41* રનની ઈનિંગ રમી હતી. આ મેચ ઈંગલેન્ડ 146 રનની વિશાળ અંતરથી જીતી હતી.
T20I માં સૌથી વધુ ઇનિંગ્સનો સ્કોર - Highest innings totals in T20Is
- ઝિમ્બાબ્વે - 344/4 વિરુદ્ધ ગેમ્બિયા (2024)
- નેપાળ - 314/3 વિરુદ્ધ મંગોલિયા (2023)
- ઈંગ્લેન્ડ - 304/2 વિરુદ્ધ દક્ષિણ આફ્રિકા (2025)
- ભારત - 297/6 વિરુદ્ધ બાંગ્લાદેશ (2024)
- ઝિમ્બાબ્વે - 286/5 વિરુદ્ધ સેશેલ્સ (2024)