Vande Bharat Train Owner: આધુનિક સુવિધાઓ સહિત સ્પીડ માટે જાણીતી વંદે ભારત ટ્રેનો ભારતીય રેલવેની નવી ઓળખ બની છે. દેશભરમાં મુખ્ય શહેરોને જોડતી આ ટ્રેનો મુસાફરોમાં ઘણી લોકપ્રિય છે. જોકે એક મહત્વની હકીકત એ છે કે ભારતીય રેલવે આ ટ્રેનો માટે દર વર્ષે કરોડો રૂપિયાનું ભાડું ચૂકવે છે. હવે આ જાણીને નવાઈ લાગશે કે જો રેલવે પોતે જ આ ટ્રેનોની માલિક છે, તો ભાડું શા માટે ચૂકવે છે, ચાલો જાણીએ
વંદે ભારત ટ્રેનોના માલિક કોણ છે
હકીકતમાં વંદે ભારત ટ્રેનોની અસલી માલિક ભારતીય રેલવે જ છે. 'મેક ઇન ઇન્ડિયા' પહેલ હેઠળ તેના કોચ ચેન્નાઈ સહિત દેશના વિવિધ કારખાનાઓમાં બનાવવામાં આવે છે. રેલવે અત્યાર સુધીમાં લગભગ 500 કોચનું નિર્માણ કરી ચુકી છે. ભાડું ચૂકવવા પાછળનું કારણ ટ્રેનોના નિર્માણનો જંગી ખર્ચ છે, જે દર વર્ષે અબજો રૂપિયામાં થાય છે. રેલવે પાસે આટલી મોટી રકમ એકસાથે ચૂકવવાની ક્ષમતા હોતી નથી.
શા માટે રેલવે પૈસા ઉધાર લે છે?
આ સમસ્યાનો હલ કરવા માટે રેલવેએ ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન (IRFC) નામની પોતાની એક અલગ કંપની બનાવી છે. IRFC જે બજારમાંથી ફંડ ઉધાર લે છે અને તેના પર વ્યાજ ચૂકવે છે. આ ભંડોળનો ઉપયોગ વંદે ભારત સહિત અન્ય ટ્રેનોના કોચ બનાવવા, રેલવેના પાટા નાખવા અને અન્ય માળખાકીય કાર્યોમાં થાય છે. ત્યારબાદ IRFC આ સંપત્તિઓને ભાડાપેટે ભારતીય રેલવેને આપે છે. તેના બદલામાં રેલવે દર વર્ષે IRFC ને ભાડું અને વ્યાજ સહિતની રકમ ચૂકવે છે. આ વ્યવસ્થાને કારણે રેલવેને એકસાથે મોટા ખર્ચનો બોજ આવતો નથી.
રેલવેએ ચુકવ્યા હતા કરોડો રુપિયા
નાણાકીય વર્ષ 2023-24 માં રેલવેએ IRFC ને કુલ 30,154 કરોડ ચૂકવ્યા હતા, જેમાં 17,000 કરોડથી વધુ મૂળધન અને 13,000 કરોડથી વધુ વ્યાજ સામેલ હતું. આ રકમ ફક્ત વંદે ભારત માટે જ નહીં, પરંતુ લગભગ 13 હજાર રેલવે એન્જિન અને અન્ય કોચ સહિત 2.95 લાખ કરોડની ભાડે લીધેલી સંપત્તિઓ માટે હતી.