Rahul vs EC: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ સોમવારે બિહારમાં પોતાની મોટી રેલીનું સમાપન કરતા ભાજપ અને ચૂંટણી પંચ પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વિપક્ષ દ્વારા રજૂ કરાયેલા 'એટમ બોમ્બ' પુરાવાઓ, હવે તેનાથી પણ મોટો 'હાઇડ્રોજન બોમ્બ' સામે આવવાનો છે.
રાહુલ ગાંધીનો ઉલ્લેખ વિપક્ષના તે આરોપો તરફ હતો જેમાં કહેવામાં આવ્યું કે, ભાજપ અને ચૂંટણી પંચ બિહાર ચૂંટણીમાં મોટા પાયે મતદાર યાદીમાંથી નામો કાઢી રહ્યા છે.
વિપક્ષનો દાવો છે કે ચૂંટણી પંચની વિશેષ સુધારણા પ્રક્રિયા દ્વારા 65 લાખથી વધુ મતદારોના નામ દૂર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ચાલી રહ્યો છે.
'આ નારા ચીન સુધી ગુંજી રહ્યો છે'
પટનામાં મતદાતા અધિકાર રેલી દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું- અમે ભાજપને બંધારણનો નાશ કરવા દઈશું નહીં. તેથી જ અમે આ યાત્રા કાઢી છે અને જનતાએ અમને જબરદસ્ત સમર્થન આપ્યું છે.
તેમણે કહ્યું કે બિહારના લોકોએ વોટ ચોર-ગાદી છોડના નારા લગાવીને મહાગઠબંધનને ટેકો આપ્યો હતો. રાહુલે કટાક્ષ કર્યો કે આ નારા હવે ચીન સુધી ગુંજાઈ રહ્યો છે, જ્યાં વડાપ્રધાન મોદી SCO સમિટમાં ભાગ લેવા ગયા હતા.
ભાજપનો પલટવાર
ભાજપે રાહુલના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે અને તેમના નિવેદનને બેજવાબદાર ગણાવ્યું છે. ભૂતપૂર્વ કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું- રાહુલ ગાંધીના શબ્દો સમજવામાં સમય લાગે છે. ચૂંટણીમાં પરમાણુ બોમ્બ અને હાઇડ્રોજન બોમ્બનો અર્થ શું છે? ભાજપના નેતાઓએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે રાહુલની પટના રેલીમાં ભીડ બતાવવા માટે યુપીના દેવરિયાથી 20 હજાર લોકોને લાવવામાં આવ્યા હતા.