Sushila Karki: નેપાળમાં Gen Z આંદોલન બાદ સુશીલા કાર્કીએ વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા અને નેપાળના ભાઈ-બહેનોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારતની પ્રતિબદ્ધતાનું પુનરાવર્તન કર્યું હતું. ભારતના વિદેશ મંત્રાલયે પણ નેપાળ સાથે મળીને કામ કરવાની વાત કરી હતી.
વડાપ્રધાન મોદીએ પાઠવ્યા અભિનંદન
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર એક પોસ્ટમાં સુશીલા કાર્કીને અભિનંદન પાઠવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે નેપાળની વચગાળાની સરકારના પીએમ તરીકે પદભાર સંભાળવા બદલ આદરણીય સુશીલા કાર્કીજીને શુભેચ્છાઓ. તેમણે વધુમાં લખ્યું કે નેપાળના ભાઈ-બહેનોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે ભારત સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
नेपालको अन्तरिम सरकारको प्रधानमन्त्रीको रूपमा पदभार ग्रहण गर्नुभएकोमा सम्माननीय श्रीमती सुशीला कार्कीज्यूलाई हार्दिक शुभकामना। नेपालका दाजुभाइ तथा दिदीबहिनीहरूको शान्ति, प्रगति र समृद्धिप्रति भारत पूर्ण रूपमा प्रतिबद्ध छ।
— Narendra Modi (@narendramodi) September 13, 2025
વિદેશ મંત્રાલયે પણ નિવેદન બહાર પાડ્યું
શુક્રવારે રાત્રે લગભગ 9 વાગ્યે સુશીલા કાર્કીએ નેપાળના વચગાળાના પીએમ તરીકે શપથ લીધા હતા. જેને લઈને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક નજીકના પાડોશી, એક લોકતાંત્રિક દેશ અને દીર્ઘકાલીન વિકાસના ભાગીદાર તરીકે ભારત બંને દેશોના લોકો અને તેમની ખુશી માટે નેપાળ સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે.

વચગાળાના વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ, સુશીલા કાર્કી દેશના પ્રથમ મહિલા વડા બન્યા છે. એવું માનવામાં આવે છે કે સુશીલા કાર્કીના આગમનથી ભ્રષ્ટાચાર મુક્ત વહીવટની ઈચ્છા રાખતી જનતા માટે આશાનું કિરણ પ્રગટ્યું છે. શુક્રવારની સાંજ નેપાળમાં શુભ સંદેશ લઈને આવી છે. નેપાળનો બંધારણીય સંકટ પણ સમાપ્ત થયો છે, અને ભારત શાંતિ-સ્થિરતાની આશા રાખી રહ્યું છે.
નેપાળમાં આગામી આમ ચૂંટણીઓ 5 માર્ચ, 2026 ના રોજ યોજાશે. આ ચૂંટણીઓ પછી વર્તમાન વચગાળાની સરકારના સ્થાને નેપાળને એક નવી સરકાર મળશે.