PM Modi's Mother Heeraba: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા હીરાબાનો એક AI દ્વારા જનરેટેડ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ રાજકીય વિવાદ વધુ ઘેરો બન્યો છે. આ કેસમાં દિલ્હી પોલીસે નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસ અને તેના IT સેલ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.
ભાજપ દિલ્હી ચૂંટણી સેલના સંયોજક સંકિત ગુપ્તાએ શુક્રવારે આ મામલે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ કેસ નોંધવામાં આવ્યો છે.
તેમના મતે 10મી સપ્ટેમ્બર 2025ની સાંજે કોંગ્રેસના અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ INC બિહારથી પ્લેટફોર્મ એક્સ પર આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.
વાયરલ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે PM મોદી સ્વપ્નમાં તેમના માતા હીરાબાને જુએ છે, જ્યાં તેમની માતા તેમને બિહાર ચૂંટણીમાં તેમના અંગેની રાજનીતિ માટે ઠપકો આપે છે.
ગુપ્તાનો આરોપ છે કે વીડિયોમાં ફક્ત PM મોદીની જ નહીં પરંતુ તેમના સ્વર્ગસ્થ માતાની છબી પણ અપમાનજનક રીતે દર્શાવવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ વીડિયો કાયદા, સામાજિક ધોરણો અને મહિલાઓના ગૌરવનું ઉલ્લંઘન કરે છે.
ગુપ્તાએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે અગાઉ 27-28મી ઓગસ્ટના રોજ દરભંગામાં યોજાયેલી કોંગ્રેસ-RJD મતદાર અધિકાર યાત્રા દરમિયાન વડા પ્રધાન અને તેમના માતા વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવી હતી.
તેમના મતે આ કોંગ્રેસનું એક સુનિયોજિત કાવતરું છે અને ચૂંટણીના વાતાવરણને પ્રભાવિત કરવાનો પ્રયાસ છે. દિલ્હી પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 318 (2), 336 (3) (4), 340 (2), 352, 356 (2) અને 61 (2) અને IT એક્ટ અને ડિજિટલ ડેટા પ્રોટેક્શન એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
પોલીસે તમામ ડિજિટલ પુરાવાઓ સુરક્ષિત કરી લીધા છે અને સાયબર સેલની મદદથી ટેકનિકલ તપાસ શરૂ કરી છે. દરમિયાન કોંગ્રેસે આ મામલે પોતાનો બચાવ કર્યો છે અને આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.
પાર્ટીના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેરાએ કહ્યું કે જો કોઈ માતા પોતાના પુત્રને યોગ્ય કાર્ય કરવાનું શીખવી રહી છે, તો તેમાં અનાદર ક્યાં છે. તેમનું કહેવું છે કે આ ન તો માતાનું અપમાન છે કે ન તો પુત્રનું.