CM Mohan Yadav Hot Air Balloon Fire: મધ્યપ્રદેશના મંદસૌરમાં શનિવારે મુખ્યમંત્રી મોહન યાદવ એક મોટી દુર્ઘટનાનો શિકાર બનતા માંડ માંડ બચ્યા હતા. મંદસૌરમાં હોટ એર બલૂનમાં ઉડાન ભરતા પહેલા જ તેમાં અચાનક આગ લાગી ગઈ હતી. જોકે સ્થળ પર હાજર કર્મચારીઓએ તાત્કાલિક આગ પર કાબુ મેળવી લીધો, જેના કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ.
મોહન યાદવના હોટ એર બલૂનમાં આગ
મંદસૌરમાં આવેલું ગાંધી સાગર અભયારણ્ય દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકોને આકર્ષે છે. મુખ્યમંત્રી ડૉ. યાદવ સવારે મંદસૌરના ગાંધી સાગર અભયારણ્યમાં હોટ એર બલૂન એક્ટિવિટી માટે પહોંચ્યા હતા. મળતી માહિતી અનુસાર બલૂનમાં હવા ભરવામાં આવી રહી હતી, ત્યારે જ તેમાં આગ લાગી ગઈ. આ દુર્ઘટના સમયે મુખ્યમંત્રી બલૂનની બરાબર નીચે ઉભા હતા.
સીએમ મોહન યાદવ સુરક્ષિત
સુરક્ષાકર્મીઓએ ટ્રોલીને પકડી રાખી હતી. તેમની સુરક્ષામાં હાજર સુરક્ષાકર્મીઓએ તાત્કાલિક સીએમ મોહન યાદવને બહાર કાઢ્યા અને પછી આગને ઓલવી નાખી. મુખ્યમંત્રી સંપૂર્ણપણે સુરક્ષિત છે. આ ઘટના બાદ મુખ્યમંત્રીની હોટ એર બલૂનની સફર રદ કરી દેવામાં આવી હતી.
હોટ એર બલૂનની દેખરેખ કરનારાઓએ જણાવ્યું કે જ્યારે મુખ્યમંત્રી બલૂનમાં સવાર થયા હતા, ત્યારે હવાની ગતિ 20 કિલોમીટર પ્રતિ કલાક હતી. જેના કારણે બલૂન આગળ વધી શક્યું નહીં અને તેના નીચેના ભાગમાં આગ લાગી ગઈ.
અફવાઓને અંગે કલેક્ટરની સ્પષ્ટતા
કલેક્ટર અદિતિ ગર્ગે આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું કે કેટલાક માધ્યમોમાં એર બલૂન સંબંધિત ભ્રામક માહિતી પ્રસારિત કરવામાં આવી છે. એર બલૂનની સુરક્ષા સંબંધિત કોઈ પ્રકારની ચૂક થઈ નથી. માનનીય મુખ્યમંત્રી માત્ર એર બલૂનને જોવા માટે જ ગયા હતા. તેમણે વધુમાં સમજાવ્યું કે હોટ એર બલૂન, નામ પ્રમાણે જ ગરમ હવાના ગુબ્બારા હોય છે. તેને ઉડાન ભરવા યોગ્ય બનાવવા માટે હવાને ગરમ કરવામાં આવે છે, જેથી બલૂન ઉપર ઉઠી શકે અને હવામાં તરે. આ આખી પ્રક્રિયામાં સુરક્ષાના તમામ માપદંડોનું પાલન કરવામાં આવ્યું છે. કલેક્ટરે નાગરિકોને અસત્ય અને ભ્રામક સમાચારો પર ધ્યાન ન આપવા વિનંતી કરી છે.