Baba Ramdev Yoga Tips: ભારતમાં યોગનો ઈતિહાસ વર્ષો જૂનો છે, આજ કારણોસર આપણા દેશને દુનિયાભરમાં 'યોગ નગરી' તરીકે ઓળખવામાં આવે છે. ભારતમાં યોગની પરંપરા એટલી પ્રાચીન છે, જેટલી ભારતીય સંસ્કૃતિ. માનસિક, શારીરિક અને આધ્યાત્મની દ્રષ્ટિએ લોકો પ્રાચીન કાળથી યોગનો અભ્યાસ કરતાં આવ્યા છે.
ભારતમાંથી જ દુનિયાના અન્ય દેશોમાં યોગ લોકપ્રિય થયું છે. દેશ-વિદેશમાં યોગને આગવી ઓળખ આપવામાં પતંજલિના ફાઉન્ડર યોગ ગુરુ બાબા રામદેવનું પણ મોટું યોગદાન છે. બાબા રામદેવ યોગ ઉપરાંત આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા પણ મોટામાં મોટી બીમારીને કંટ્રોલમાં કરવાનો દાવો કરે છે. તેઓ અવારનવાર પોતાના સોશિયલ મીડિયામાં ફિટ રહેવા માટેની ટિપ્સ આપતા રહે છે.
યોગ ગુરુના જણાવ્યા મુજબ, આયુર્વેદ અને યોગ બન્નેની મદદથી મોટાભાગની બીમારીમાંથી મુક્તિ કે તેને કંટ્રોલ કરી શકાય છે. યોગ અને આયુર્વેદિક ઉપાયો અજમાવીને પાચન તંત્રને સ્વસ્થ રાખવા સંદર્ભે બાબા રામદેવે એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેઓ વજ્રાસન કરતા-કરતાં તેના જાદુઈ ફાયદા વિશે જણાવી રહ્યા છે.
વજ્રાસન કેવી રીતે કરવું? (Baba Ramdev Vajrasana)
વજ્રાસનને અંગ્રેજીમાં ડાયમંડ પોઝ અથવા થન્ડર બોલ્ડ પોઝ પણ કહે છે. વજ્રાસન કરવા માટે બન્ને પગને આગળ સીધા લંબાવીને બેસી જાવ. હવે ડાબા પગને ઢીંચણથી વાળીને જમણા પગની જાંઘ પાસે મૂકો. હવે ડાબા હાથથી ડાબા પગની ઘુંટીને પકડીને પગને પાછળ લઈ જાવ. આ સમયે એક વાતનું ધ્યાન રાખજો કે, પગનો અંગુઠો ખેંચેલો રહે. આમ કરવાથી ડાબો ઢીંચણ જમીનને અડશે અને એડી થાપાની બાજુમાં રહેશે. આજ પ્રમાણે જમણાં પગને પણ વાળીને પાછળ લઈ જાવ.

હવે હાથના પંજાને ઢીંચણપર ઊંધા મૂકો અને નજર સામેની તરફ સ્થિર રાખો. આ સમયે તમારું મસ્તક અને કમર એકદમ ટટ્ટાર રાખવાનું ના ભૂલતા. જે બાદ બન્ને હાથને બંધ કરીને નાભિ પર મૂકો અને ધીમે-ધીમે આગળની તરફ નમો. આ મુદ્રામાં 1 મિનિટ સુધી રહો અને આવું ઓછામાં ઓછું 5 વખત કરો.
વજ્રાસનના ફાયદા (Vajrasana Pose Benefits)
બાબા રામદેવે જણાવ્યું કે, જો તમે નિયમિત વજ્રાસન કરો છો, તો તેનો સૌથી વધુ ફાયદો તમારા પાચન તંત્રને થાય છે. આટલું જ નહીં, આ યોગાસનથી ડાયાબિટીસને પણ કંટ્રોલમાં કરી શકાય છે.
આપણાં આંતરડા અને પાચન તંત્રના સ્વાસ્થને ગટ હેલ્થ કહેવામાં આવે છે. જો આપણું પાચન તંત્ર બગડે, તો તેની સીધી અસર આપણી રોગ પ્રતિકારક શક્તિ ઉપર પડે છે. આપણી ઈમ્યુનિટી ડાઉન થાય છે અને હોર્મોન અસંતુલિત થઈ જાય છે. જેના પરિણામે આપણી સ્કિન પર પણ વિપરિત અસર થાય છે.
વજ્રાસન કરવાથી ખોરાક આપણાં આંતરડા સુધી સરળતાથી પહોંચી શકે છે. આમ કરવાથી મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે અને કબજિયાત જેવી સમસ્યામાં રાહત મળે છે. હકીકતમાં આ આસન આપણા બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે. જેનાથી મગજની કાર્યક્ષમતા પણ સુધરે છે.