Ragda Pattice: ઘરે લારી જેવી ચટાકેદાર રગડા પેટીસ બનાવવાની પરફેક્ટ રીત

Ragda Pattice Recipe: રગડા પેટીસમાં સાચી કમાલ તો ટેસ્ટી રગડાની જ હોય છે, આજે ગુજરાતી જાગરણ એ તમામ રીત તમને અહીં જણાવશે.

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Thu 11 Sep 2025 12:48 PM (IST)Updated: Thu 11 Sep 2025 12:48 PM (IST)
make-mumbai-style-ragda-pattice-at-home-easy-ragda-patties-recipe-601267

Ragda Pattice Recipe (Ragda Patties): ગરમાગરમ રગડા પેટીસ ખાવાની ખૂબ મજા આવે છે. આજે આપણે એકદમ સરળ રીતે, બહાર મળે તેવી જ ટેસ્ટી રગડા પેટીસ ઘરે તૈયાર કરીશું. ગુજરાતી જાગરણની આ રગડા પેટીસ (Ragda Patties Recipe In gujarati) રેસિપી ગમે તો શેર કરવાનું ભૂલશો નહીં.

રગડા પેટીસની સામગ્રી:

પેટીસ માટે:

  • બાફેલા બટાકા – 4 નંગ (ઠંડા કરેલા)
  • મીઠું – સ્વાદ પ્રમાણે (બટાકા બાફવામાં પણ મીઠું નાખ્યું હોય તો ઓછું લેવું)
  • હળદર – થોડી (જો સફેદ પેટીસ જોઈતી હોય તો ઉમેરવી નહીં)
  • ધાણાજીરું – થોડું
  • લાલ મરચું – થોડું
  • આદુ મરચાની પેસ્ટ –
  • ચાટ મસાલો – થોડોક
  • પૌવા – (2 વાર સાફ પાણીથી ધોઈને) (વિકલ્પ: બ્રેડ ક્રમ્સ, પાવપટ્ટીનો ભૂકો અથવા પૌવાનો પાવડર)
  • લીંબુનો રસ – અડધા લીંબુનો (વિકલ્પ: આમચૂર પાવડર)
  • ધાણા – થોડા
  • તેલ – 1 થી 1.5 ચમચી (શેકવા માટે)

રગડા માટે: (ઘરે લારી જેવી રગડા પેટીસ બનાવવાની પરફેક્ટ રીત| ragda patties)

  • તેલ – 1 ચમચી (શરૂઆતમાં અડધી ચમચી, જરૂર પડે તો વધુ અડધી ચમચી)
  • આખું જીરું
  • હિંગ – થોડી
  • ડુંગળી – 1 (ઝીણી સમારેલી)
  • લસણ અને આદુની પેસ્ટ – (લસણનું પ્રમાણ વધારે રાખવું, જો લસણ ખાતા હોય તો)
  • ટમેટું – 1 (ઝીણું સમારેલું)
  • મીઠું – સ્વાદ પ્રમાણે (વટાણા બાફવામાં નાખેલું હોય તો ઓછું લેવું)
  • હળદર – થોડી
  • લાલ મરચું – (તીખાશ મુજબ)
  • ધાણાજીરું – થોડું
  • તીખી મરચી – 1 (સમારીને, વઘારમાં ઉમેરવી)
  • બાફેલા વટાણા – (4-5 કલાક પલાળી, 2 વાર ધોઈ, હળદર, મીઠું અને 1 બટાકું નાખીને 10 મિનિટ સુધી બાફેલા)
  • પાણી – અડધો ગ્લાસ જેટલું
  • ફ્રેશ સમારેલા ધાણા – (ઉપરથી નાખવા)
  • ગરમ મસાલો – થોડો
  • લીંબુનો રસ – થોડો (વધી ન જાય તેનું ધ્યાન રાખવું)

સર્વ કરવા માટે:

  • ખાટી મીઠી આમલી અને ગોળની ચટણી
  • લસણની ચટણી (જો લસણ ખાતા હોય તો)
  • ઝીણી સમારેલી ડુંગળી
  • ઝીણા સમારેલા ટમેટા
  • દાડમના દાણા
  • ઝીણી સેવ
  • કાપેલા ધાણા

રગડા પેટીસ બનાવવાની રીત: (ઘરે લારી જેવી રગડા પેટીસ બનાવવાની રીત | ragda patties recipe)

પેટીસ બનાવવાની રીત:

  • 1). સૌ પ્રથમ, 4 નંગ બાફેલા અને ઠંડા કરેલા બટાકાને મેશ કરી લો. બટાકા હંમેશા ઠંડા કરીને જ વાપરવા જેથી મસાલો કોરો તૈયાર થાય.
  • 2). મેશ કરેલા બટાકામાં સ્વાદ પ્રમાણે મીઠું, થોડી હળદર, ધાણાજીરું, લાલ મરચું, આદુ મરચાની પેસ્ટ અને થોડોક ચાટ મસાલો ઉમેરો.
  • 3). તેમાં 2 વાર સાફ પાણીથી ધોયેલા પૌવા ઉમેરો. પૌવા બટાકાનું વધારાનું પાણી શોષીને બાઈન્ડિંગ આપશે જેથી પેટીસ ખુલ્લી નહીં પડે. પૌવાને મેશરથી મેશ કરી લો. (પૌવાની જગ્યાએ બ્રેડ ક્રમ્સ, પાવપટ્ટીનો ભૂકો અથવા પૌવાને મિક્સરમાં ક્રશ કરીને પણ ઉમેરી શકાય).
  • 4). ખટાશ માટે અડધા લીંબુનો રસ અને ધાણા ઉમેરો. (લીંબુના રસની જગ્યાએ આમચૂર પાવડર પણ વાપરી શકાય).
  • 5). બધી જ વસ્તુઓને હાથની મદદથી બરાબર મિક્સ કરી, લોટ જેમ બાંધીએ તેવો બાઈન્ડ મસાલો તૈયાર કરો.
  • 6). હવે થોડોક મસાલો હાથમાં લઈ, તેને ચપટું કરી પેટીસનો શેપ આપો. આ રીતે બધી પેટીસ બનાવીને તૈયાર કરી લો.
  • 7). એક પેનમાં લગભગ 1 થી 1.5 ચમચી તેલ ગરમ કરો. તેલ હલકું ગરમ થાય પછી પેટીસને શેકવા માટે મૂકો.
  • 8). ગેસને ફાસ્ટ જ રાખવાનો છે. ફાસ્ટ ગેસ પર પેટીસને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. આ પ્રક્રિયામાં લગભગ 3-4 મિનિટ લાગશે.
  • 9.) તૈયાર પેટીસને બહાર કાઢીને બાજુ પર રાખો.

રગડો બનાવવાની રીત:

  • 1). પેનમાં અડધી ચમચી તેલ ઉમેરો.
  • 2). તેમાં આખું જીરું અને થોડી હિંગ ઉમેરી દો.
    3). ત્યારબાદ એક ઝીણી સમારેલી ડુંગળી ઉમેરી, તેનો કલર હલકો ચેન્જ ના થઈ જાય ત્યાં સુધી સાંતળો. (જો તેલ ઓછું લાગે તો વધુ અડધી ચમચી ઉમેરી શકાય).
    4). ડુંગળી સંતળાઈ જાય પછી લસણ અને આદુની પેસ્ટ ઉમેરો (જેમાં લસણનું પ્રમાણ વધારે રાખવું). લસણમાંથી સુગંધ આવવા લાગે ત્યાં સુધી સાંતળો.
    5). ત્યારબાદ એક ઝીણું સમારેલું ટમેટું, સ્વાદ પ્રમાણે મીઠું (વટાણા બાફવામાં મીઠું નાખ્યું હોય તો ઓછું લેવું) અને થોડી હળદર નાખો.
    6). બરોબર મિક્સ કરી ઢાંકીને લગભગ એકાદ મિનિટ સુધી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દો.
    7). ટમેટા સોફ્ટ થઈ જાય પછી તેને હલકા મેશ કરી લો.
    8). હવે તેમાં લાલ મરચું (તીખાશ મુજબ), થોડું ધાણાજીરું અને સમારેલી તીખી મરચી (જો વઘારમાં નાખી ન હોય તો) ઉમેરી થોડીવાર સાંતળો.
    9). મસાલામાંથી સરસ સુગંધ આવવા લાગે પછી બાફેલા વટાણા ઉમેરી બરોબર મિક્સ કરી લો. (વટાણાને 4-5 કલાક પલાળી, 2 વાર ધોઈ, હળદર, મીઠું અને 1 બટાકું નાખીને 10 મિનિટ સુધી બાફેલા છે).
    10). મેશરની મદદથી બાફેલા બટાકાને અને થોડાક વટાણાને મેશ કરી લો. બટાકું ઉમેરવાથી રગડો એકદમ ઘાટો અને ટેસ્ટી બનશે.
    11). હવે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી, બરોબર મિક્સ કરી લો. રગડો ચાટમાં વપરાય તેવો થોડોક થીક (ઘાટો) હોવો જોઈએ.
    12). ઢાંકીને લગભગ 2 મિનિટ પકાવો.
    13). રગડો તૈયાર થઈ જાય પછી ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા, થોડો ગરમ મસાલો અને થોડો લીંબુનો રસ ઉમેરો. લીંબુનો રસ બહુ વધી ના જાય તેનું ધ્યાન રાખવું જેથી હલકી ખટાશ આવે.

    રગડા પેટીસ સર્વ કરવાની રીત:

    • 1). એક પ્લેટમાં 1 અથવા 2 તૈયાર પેટીસ રાખો.
    • 2). પેટીસ ઉપર ખાટી મીઠી આમલીની ચટણી અને ગોળની ચટણી સાથે લસણની ચટણી પણ ઉમેરો. જો લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય. (લસણની ચટણી બનાવવા માટે લસણ, લાલ મરચું અને મીઠું નાખી, જરૂર પ્રમાણે પાણી ઉમેરી મિક્સરમાં ક્રશ કરી શકાય).
    • 3). ઉપરથી ગરમાગરમ રગડો ઉમેરો.
    • 4). ફરીથી ખાટી મીઠી ચટણી અને લસણની ચટણી તીખાશ મુજબ ઉમેરો.
    • 5). ઉપરથી થોડી ઝીણી સમારેલી ડુંગળી, ટમેટા અને દાડમના દાણા નાખો. દાડમનો સ્વાદ આમાં બહુ સરસ લાગે છે.
    • 6). છેલ્લે ઉપરથી થોડી ઝીણી સેવ અને કાપેલા ધાણા ભભરાવો.