Corn Khichyu Recipe: તહેવારની સિઝનમાં સાંજે ભૂખ લાગે ત્યારે ફટાફટ બની જતા નાસ્તાને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે. આવી જ એક વાનગી એટલે ખીચું. આજે મકાઈનું ખીચું (Makai nu Khichu) કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને જણાવશે. ગરમા ગરમ ખીચું ખાવાની મજા અલગ હોય છે. તો ચાલો બનાવીએ મકાઈના લોટનું ખીચું.
મકાઈનું ખીચું બનાવવાની સામગ્રી:
- પાણી: 1.5 કપ
- મીઠું: 1 ટીસ્પૂન (અથવા સ્વાદ અનુસાર)
- હળદર પાવડર: 1/4 ટીસ્પૂન
- ખાવાનો સોડા: 1/4 ટીસ્પૂન
- મકાઈનો લોટ (સફેદ): 1 કપ
- તેલ: 1 ટેબલસ્પૂન (વઘાર માટે) + 1 થી 2 ટેબલસ્પૂન (પીરસવા માટે)
- જીરું: 1 ટીસ્પૂન
- લીલું મરચું: 1 મીડિયમ સાઈઝનું (ઝીણું સમારેલું)
- આદુ: 1 ઇંચનો ટુકડો (ઝીણો સમારેલો)
- કોથમીર: ગાર્નિશિંગ માટે
- અથાણાનો મસાલો: પીરસવા માટે
મકાઈનું ખીચું બનાવવાની રીત:
- પાણી ગરમ કરવું: સૌ પ્રથમ, એક વાસણમાં 1.5 કપ પાણી ગરમ કરવા મૂકો.
- મસાલા ઉમેરવા: પાણી ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન હળદર પાવડર અને 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા ઉમેરો. આ બધાને બરાબર મિક્સ કરી પાણીને ઉકળવા દો.
- વઘાર તૈયાર કરવો: એક અલગ કડાઈમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરો. જીરું સંતળાઈ જાય અને તેનો રંગ બદલાય, ત્યારે તેમાં 1 ઝીણું સમારેલું લીલું મરચું અને 1 ઇંચ ઝીણું સમારેલું આદુ ઉમેરી, બરાબર સાંતળી લો. (નોંધ: તમે આદુ-મરચાની પેસ્ટ પણ વાપરી શકો છો).
- વઘાર ઉમેરવો: તૈયાર કરેલો વઘાર ઉકળતા પાણીમાં ઉમેરી દો અને બરાબર મિક્સ કરી લો.
- લોટ ઉમેરવો: પાણી ઉકળી જાય અને મસાલા સાથે એકરસ થઈ જાય, ત્યારે ગેસની આંચ મીડીયમ રાખીને તેમાં ધીમે ધીમે 1 કપ સફેદ મકાઈનો લોટ ઉમેરતા જાઓ.
- મિક્સ કરવું: લોટ ઉમેરતી વખતે, લાકડાના વેલણથી અથવા હાથથી લોટને પાણી સાથે સતત હલાવતા રહીને બરાબર મિક્સ કરતા જાઓ. ધ્યાન રાખો કે લોટના ગાંઠા ન બને. આ રીતે સતત હલાવતા રહીને ખીચું ઘટ્ટ થાય અને એકદમ સ્મૂધ બની જાય ત્યાં સુધી મિક્સ કરો.
- બાફવું (વૈકલ્પિક): મકાઈનું ખીચું તૈયાર થઈ જાય પછી, તેને ગરમ તવા પર મૂકી, ઢાંકણ ઢાંકીને મીડીયમ ગેસ પર 10 મિનિટ સુધી બાફી શકાય છે. આનાથી ખીચું વધુ સરસ રીતે ચડી જાય છે. તમે તેને ઇડલી કુકરમાં પણ 10 મિનિટ માટે બાફી શકો છો.
- પીરસવું: ગરમાગરમ મકાઈના ખીચાને એક પ્લેટમાં કાઢી, ઉપરથી કોથમીરથી ગાર્નિશ કરો. તેના પર અથાણાનો મસાલો અને 1 થી 2 ટેબલસ્પૂન તેલ (જે પિંગળી ગયેલું હોય) ઉમેરીને ગરમાગરમ સર્વ કરો. અથાણાનો મસાલો તમે ઘરે પણ બનાવી શકો છો અથવા બજારમાંથી તૈયાર પણ લઈ શકો છો.