Diwali Special Namkeen Recipe: દિવાળી નજીક આવી રહી છે. દિવાળી પર અવનવા નાસ્તા દરેક ઘરમાં બનતા હોય છે. તેમાનો કોમન નાસ્તો એટલે ચવાણું. ચવાણાની વાત આવે એટલે અમદાવાદના શશીનું ચવાણું, ભૈરુનાથનું ચવાણુ, જુના શેર-બજારનું ચવાણુ, આણંદના સુખડિયાનું ચવાણું, પાટણનું ભગવતી ચવાણું, નડિયાદનીસિંધી બજારનું ગળ્યું ચવાણું આ નામો યાદ આવે. આ ચવાણા ગુજરાતભરમાં લોકપ્રિય છે. આજે આ ટેસ્ટનું મસ્ત ચવાણું ઘણે કેવી રીતે બનાવવું તેની રેસિપી ગુજરાતી જાગરણ તમને અહીં જણાવશે.
દિવાળી સ્પેશિયલ મિક્સ ચવાણું
ચવાણું બનાવવાની સામગ્રી:
- મકાઈ પૌવા (જરૂર મુજબ)
- નાયલોન પૌવા (જરૂર મુજબ)
- સીંગદાણા (એક બાઉલ જેટલા)
- કાજુ (અડધી વાટકી જેટલા)
- કિસમિસ / સૂકી દ્રાક્ષ (અડધી વાટકી જેટલી)
- ચુરમમરા (લગભગ 300 ગ્રામ)
- કડી પત્તા (થોડા)
- લાલ મરચાં પાવડર (બે ચમચી જેટલો)
- હળદર (એક થી દોઢ ચમચી જેટલી)
- મીઠું (સ્વાદ પ્રમાણે)
- દળેલી ખાંડ (અડધી વાટકી જેટલી, તમારી પસંદગી મુજબ)
- વઘારેલા મમરા (200 ગ્રામ, તમારા માપ મુજબ)
- જાડી સેવ (એક વાટકી જેટલી)
- મીડીયમ જાડી સેવ (એક વાટકી જેટલી)
- ઝીણી પાથરી બેસન સેવ (એક વાટકી જેટલી)
- શક્કરપારા (એક બાઉલ જેટલા)
- તેલ (તળવા માટે)
ચવાણું બનાવવાની રીત:
- 1). તેલ ગરમ કરો: સૌ પ્રથમ, કડાઈમાં તેલ લઈને ગરમ થવા દો.
- 2). મકાઈ પૌવા તળો: તેલ ગરમ થઈ જાય પછી, એક કાણાવાળા જારાને તેલમાં ડુબાડીને તેમાં મકાઈ પૌવા નાખો. તેમને 10 થી 15 સેકન્ડ સુધી હલાવીને ફ્રાય કરો. મકાઈ પૌવાને વધારે વાર સુધી ફ્રાય ન કરવા. ફ્રાય થઈ જાય પછી તેમને એક અલગ વાસણમાં કાઢી લો. જો મકાઈ પૌવાનો આકાર મોટો લાગતો હોય તો તેને હાથથી તોડી શકો છો.
- 3). નાયલોન પૌવા તળો: તે જ તેલમાં થોડા નાયલોન પૌવા ફ્રાય કરી લો. નાયલોન પૌવા ચવાણાને એક અલગ ટેસ્ટ આપે છે. ફ્રાય થઈ જાય પછી તેમને મકાઈ પૌવાની સાથે કાઢી લો.
- 4). સીંગદાણા તળો: એ જ તેલની અંદર એક બાઉલ જેટલા સીંગદાણા ફ્રાય કરી લો. ફ્રાય કરેલા સીંગદાણા ચવાણા માટે એક અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ છે, તેના વગર ચવાણું અધૂરું લાગે છે. સીંગદાણા સારી રીતે ફ્રાય થઈ ગયા હોય ત્યારે તેમને મકાઈ પૌવા અને નાયલોન પૌવા સાથે કાઢી લો.
- 5). કાજુ તળો: હવે તેલની અંદર અડધી વાટકી જેટલા કાજુ નાખી ફ્રાય કરી લો. ફ્રાય કરેલા કાજુને લીધે ચવાણામાં એક અલગ જ ટેસ્ટ આવે છે. જો કાજુ ના નાખવા માંગતા હો તો તેમને સ્કિપ કરી શકો છો. કાજુ ફ્રાય થઈ જાય પછી તેને પણ બીજી સામગ્રી સાથે કાઢી લો.
- 6). કિસમિસ તળો: ત્યારબાદ અડધી વાટકી જેટલી કિસમિસ (સૂકી દ્રાક્ષ) પણ તેલમાં ફ્રાય કરી લો. ફ્રાય કરેલી સૂકી દ્રાક્ષના લીધે ચવાણાની અંદર એક અલગ જ સ્વીટ ટેસ્ટ આવે છે. કિસમિસ ફ્રાય કરી લીધા બાદ તેને પણ અન્ય સામગ્રી સાથે કાઢી લો.
- 7). ચુરમમરા તળો: હવે તેલની અંદર થોડા થોડા કરીને ચુરમમરા ને પણ ફ્રાય કરી લો. આપણે કુલ 300 ગ્રામ જેટલા ચુરમમરાને ફ્રાય કરવાના છીએ. ચુરમમરા સારી રીતે ફ્રાય થઈ જાય ત્યારે તેમને પણ આપણી સામગ્રી સાથે કાઢી લો.
- 8). કડી પત્તા તળો: છેલ્લે, તેલમાં થોડા કડી પત્તા ને પણ ફ્રાય કરી લો. ચવાણાની અંદર મીઠા લીમડાના પાન એક અગત્યનું ઇન્ગ્રેડિયન્ટ છે. કડી પત્તા ફ્રાય થઈ જાય ત્યારે તેમને પણ બધી સામગ્રી સાથે કાઢી લો.
- 9). મસાલા ઉમેરો: હવે એક મોટા વાસણમાં ફ્રાય કરેલી બધી સામગ્રીને લઈ લો. તેમાં બે ચમચી જેટલો લાલ મરચાં પાવડર ઉમેરો. ત્યારબાદ તેમાં એક થી દોઢ ચમચી જેટલી હળદર ઉમેરી દો. હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દો.
- 10). ખાંડ ઉમેરો: ચવાણામાં સ્વીટનેસ એડ કરવા માટે તેની અંદર અડધી વાટકી જેટલી દળેલી ખાંડ નાખીને બધી સામગ્રીને સારી રીતે એકવાર મિક્સ કરી લો. દળેલી ખાંડ તમે તમારા ઘરના પ્રમાણ મુજબ નાખી શકો છો.
- 11). મમરા અને સેવ ઉમેરો: બધી સામગ્રીને એકવાર સારી રીતે મિક્સ કરી લીધા બાદ, તેની અંદર 200 ગ્રામ જેટલા વઘારેલા મમરા નાખી દો. ત્યારબાદ તેની અંદર એક વાટકી જેટલી જાડી સેવ, એક વાટકી જેટલી મીડીયમ જાડી સેવ, અને એક વાટકી જેટલી ઝીણી પાથરી બેસન સેવ નાખી દો. જો તમે ઇચ્છો તો ચવાણાની અંદર ત્રણ અલગ અલગ આકાર વાળી સેવની જગ્યાએ કોઈ એક સેવનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા તમે આમાં ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકો છો. બધી સામગ્રીને સારી રીતે એકવાર મિક્સ કરી લો.
- 12). શક્કરપારા ઉમેરો: છેલ્લે, તેની અંદર એક બાઉલ જેટલા શક્કરપારા એડ કરી લો અને સારી રીતે ચવાણાને મિક્સ કરી લો. દિવાળીમાં મોટા ભાગના ઘરોમાં શક્કરપારા બનતા હોય છે, તો તમે તેમાં થોડા શક્કરપારા એડ કરી શકો છો.