Grancy Kaneria Success Story: અત્યારે અલગ-અલગ જોનરની ફિલ્મો ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બની રહી છે. ત્યારે નવા-નવા એક્ટર અને એક્ટ્રેસને પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવાની તક મળી રહી છે. ત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા પાંચ-છ વર્ષથી કાર્યરત એક્ટ્રેસ ગ્રેન્સી કનેરિયાએ પોતાના અભિનયથી ખાસ ઓળખ બનાવી છે. અમદાવાદમાં જન્મેલી અને ઉછરેલી ગ્રેન્સી હાલ એમબીએનો અભ્યાસ પણ કરી રહી છે. પરંતુ ફિલ્મ જગતમાં તેમની સફર સરળ રહી નથી. લાંબા સંઘર્ષ બાદ 2023માં તેઓએ સતીશ દાવરા દિગ્દર્શિત ફિલ્મ ભમ દ્વારા ડેબ્યુ કર્યું હતું.
ગ્રેન્સી કહે છે કે શરૂઆતના દિવસોમાં તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘણીવાર નકલી કાસ્ટિંગ કોલ્સ અને સ્કેમ્સથી નિરાશ થવું પડતું હતું. ડેબ્યુ ફિલ્મ માટે કોલ આવ્યો ત્યારે પણ તેમણે વિશ્વાસ નહોતો થયો, પરંતુ એ તેમના કારકિર્દીનો મોટો વળાંક સાબિત થયો. ભમમાં તેમણે જીગ્નેશ મોદી સરની ઓન-સ્ક્રીન પુત્રી અને ગાયિકાની ભૂમિકા ભજવી હતી. આ રોમેન્ટિક સસ્પેન્સ થ્રિલર અને મ્યુઝિકલ ફિલ્મમાં તેમની અભિનય ક્ષમતા દર્શકોને ખૂબ પસંદ આવી હતી.
ડેબ્યુ બાદ ગ્રેન્સીને અનેક પડકારજનક પાત્રો મળ્યા. તાજેતરમાં તેમની ફિલ્મો પ્રેમની પાઠશાળા (કોલેજ લવ સ્ટોરી) અને બબલી બિન્દાઝ (ત્રણ બહેનો પર આધારિત ફેમિલી ડ્રામા) રિલીઝ થઈ છે. હાલના પ્રોજેક્ટ્સની વિગતો તેઓ જાહેર કરી શકતા નથી, પરંતુ તેમના કહેવા મુજબ દરેક ભૂમિકા અલગ અનુભવ અને શીખ આપવા જેવી રહી છે.
આ પણ વાંચો
ગ્રેન્સી માનેછે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નવા કલાકારો માટે સહેલી નથી. કાસ્ટિંગ કોલ્સ અને ઓડિશન્સની ખુલ્લી માહિતી ઓછી મળે છે અને ઘણી બાબતો સંબંધો પર આધારિત હોય છે. તેમ છતાં, તેઓ માને છે કે હવે માત્ર કોમેડી નહીં પરંતુ સીરિયસ ફિલ્મો, થ્રિલર અને નવા પ્રકારના કન્સેપ્ટ્સ પર પણ સારી ફિલ્મો બનવા લાગી છે. તેમને ગંભીર અને થ્રિલર પ્રકારની ભૂમિકાઓ ખાસ ગમે છે.
નવરાત્રી સાથે જોડાયેલી એક રસપ્રદ વાત ગ્રેન્સીએ શેર કરી હતી. તેમણે નક્કી કર્યું કે જ્યાં સુધી તેઓ નવરાત્રી દરમિયાન પોતાની ફિલ્મોના પ્રમોશનમાં ભાગ નહીં લે, ત્યાં સુધી ગરબા નહીં રમે. આ નિર્ણય પછી તેઓ ગરબા કરતાં ફિલ્મોના પ્રમોશનમાં જ વ્યસ્ત રહેવા લાગ્યા.
અભ્યાસ અને અભિનય વચ્ચે સંતુલન સાધતા ગ્રેન્સી પોતાના શોખ તરીકે ઘોડેસવારી, ચેસ રમવું અને ખાલી સમયે અભિનય પ્રેક્ટિસ કરવાનું પસંદ કરે છે. તેઓ માનેછે કે પાત્રને સારી રીતે સમજવા અને જીવંત કરવા માટે કલાકારોને ઘણી તૈયારી અને પ્રેક્ટિસ જરૂરી છે. અંતમાં ગ્રેન્સીએ દર્શકો અને ઇન્ડસ્ટ્રી તરફથી મળેલા પ્રેમ બદલ આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે તેઓ દર ફિલ્મ સાથે કંઈક નવું શીખવા પ્રયત્નશીલ રહેશે.