PM Modi SCO Summit 2025 Updates: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોઓપરેશન કાઉન્સિલ સમિટમાં આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. કહ્યું કે, ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદથી પીડાઇ રહ્યું છે અને પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આતંકવાદ પર કોઈ બેવડા ધોરણો સ્વીકાર્ય નહીં હોય. વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામેની લડાઈમાં એકતા પર ભાર મૂક્યો છે.
પ્રધાનમંત્રી મોદીએ SCO નો અર્થ સમજાવ્યો
સંબોધન દરમિયાન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતે SCO ના સભ્ય તરીકે ખૂબ જ સકારાત્મક ભૂમિકા ભજવી છે. SCO માટે ભારતનું વિઝન અને નીતિ ત્રણ મહત્વપૂર્ણ સ્તંભો પર આધારિત છે. આ દરમિયાન તેમણે SCO નો એક અલગ અર્થ જણાવ્યો -S- Security, C- Connectivity and O - Opportunity.
આતંકવાદના મુદ્દા પર બોલતા વધુમાં કહ્યું કે, ભારત છેલ્લા ચાર દાયકાથી આતંકવાદથી પીડાઇ રહ્યું છે. તાજેતરમાં, આપણે પહેલગામમાં આતંકવાદનું સૌથી ખરાબ સ્વરૂપ જોયું. હું આ દુઃખની ઘડીમાં આપણી સાથે ઉભા રહેલા મિત્ર દેશનો આભાર માનું છું. આપણે સ્પષ્ટ અને સર્વાનુમતે કહેવું પડશે કે આતંકવાદ પર કોઈ બેવડા ધોરણો સ્વીકાર્ય નથી.
વડાપ્રધાન મોદીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેલગામ હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ હુમલો દરેક દેશ અને માનવતામાં વિશ્વાસ રાખનાર વ્યક્તિ માટે એક ખુલ્લો પડકાર હતો. આવી સ્થિતિમાં, એ પ્રશ્ન ઉઠવો સ્વાભાવિક છે કે શું કેટલાક દેશો દ્વારા આતંકવાદને ખુલ્લું સમર્થન આપણને સ્વીકાર્ય હોઈ શકે છે. આપણે સર્વાનુમતે દરેક સ્વરૂપ અને રંગના આતંકવાદનો વિરોધ કરવો પડશે. માનવતા પ્રત્યે આ આપણી ફરજ છે.
તેમણે વધુમાં કહ્યું કે, સુરક્ષા, શાંતિ અને સ્થિરતા કોઈપણ દેશના વિકાસનો આધાર છે. પરંતુ આતંકવાદ, અલગતાવાદ અને ઉગ્રવાદ આ માર્ગમાં મોટા પડકારો છે. આતંકવાદ એ ફક્ત એક દેશની સુરક્ષા માટે જ નહીં પરંતુ સમગ્ર માનવતા માટે એક સામાન્ય પડકાર છે. કોઈ પણ દેશ, કોઈ સમાજ, કોઈ પણ નાગરિક તેનાથી પોતાને સુરક્ષિત માની શકતો નથી.
આતંકવાદ સામેની લડાઈમાં ભારત મોખરે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારતે આતંકવાદ સામેની લડાઈમાં એકતા પર ભાર મૂક્યો છે. ભારતે સંયુક્ત માહિતી અભિયાનનું નેતૃત્વ કરીને અલ-કાયદા અને તેની સાથે સંકળાયેલા આતંકવાદી સંગઠનો સામે લડવાની પહેલ કરી. અમે આતંકવાદના ભંડોળ સામે અવાજ ઉઠાવ્યો. આમાં તમારા સહકાર બદલ હું આભાર વ્યક્ત કરું છું.