Russia Earthquake: રશિયાનો કામચટકા ક્ષેત્ર એકવાર ફરી ભૂકંપના આંચકાઓથી ધ્રુજી ઉઠ્યો છે. શનિવારે 7.4 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું, જ્યારે USGS એ જણાવ્યું હતું કે તેની તીવ્રતા 7.4 ની તીવ્રતા અને ઊંડાઈ 39.5 કિલોમીટર હતી.
Prelim M7.4 Earthquake near the east coast of the Kamchatka Peninsula, Russia Sep-13 02:37 UTC, updates https://t.co/nXacvCFMEc
— USGS Tweet Earthquake Dispatch (@USGSted) September 13, 2025
લોકોને એલર્ટ કરાયા
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભૂકંપ પછી લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે હાલ કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે તેઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને લોકોને સમુદ્રતટથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે.
સુનામીનો ખતરો?
પ્રશાંત સુનામી ચેતવણી કેન્દ્ર (PTWC) એ માહિતી આપી છે કે ભૂકંપની અસર દરિયાકાંઠાના વિસ્તારો પર થઈ શકે છે. પ્રશાંત મહાસાગરના નજીકના ભાગોમાં સુનામીનો ખતરો બની શકે છે. હવાઈ જેવા દૂરના વિસ્તારો પર હજુ સ્થિતિ સ્પષ્ટ નથી. PTWC એ જણાવ્યું કે ત્યાં સુનામીનો ખતરો છે કે નહીં તે કહેવું હાલ વહેલું છે. જો હવાઈ માટે ખતરો બને છે, તો ત્યાં અસરનો સૌથી પ્રારંભિક સમય શુક્રવાર રાત્રે 10:36 વાગ્યે હોઈ શકે છે.
ભૂકંપ માટે સંવેદનશીલ ક્ષેત્ર છે કામચટકા
કામચટકા એ જ વિસ્તાર છે, જ્યાં જુલાઈમાં 8.8 તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો હતો અને તે સમયે પ્રશાંત મહાસાગરના ઘણા ભાગોમાં સુનામીની ચેતવણી જાહેર કરવી પડી હતી. આ જ કારણસર હાલના ભૂકંપે લોકોમાં ચિંતા વધારી દીધી છે. કામચટકા ક્ષેત્ર જ્વાળામુખીય અને ભૂકંપીય ગતિવિધિઓ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. અહીં રોજિંદા નાના-મોટા આંચકા આવતા રહે છે. પરંતુ 7.4 જેવી તીવ્રતાનો ભૂકંપ અત્યંત ખતરનાક માનવામાં આવે છે, કારણ કે તે મોટા પાયે સુનામીનું કારણ બની શકે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ પ્રકારના શક્તિશાળી ભૂકંપ વિશ્વને આબોહવા પરિવર્તન અને પૃથ્વીની ઊંડાઈમાં થઈ રહેલા ફેરફારો તરફ પણ ઈશારો કરે છે. કામચટકા ક્ષેત્રને ‘પેસિફિક રિંગ ઓફ ફાયર’ નો હિસ્સો માનવામાં આવે છે, જ્યાં જ્વાળામુખી વિસ્ફોટ અને ભૂકંપ સૌથી વધુ આવે છે.