Israel Hamas War News Updates: ગાઝા પટ્ટીમાં ઇઝરાયલના ભીષણ હુમલા સતત ચાલુ છે. જેમાં બેઘર અને ભૂખ્યા-તરસ્યા પેલેસ્ટાઈનીઓ નિશાન બની રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સૌથી મોટા શહેર ગાઝા સિટી અને તેની આસપાસના વિસ્તારને અકાલગ્રસ્ત જાહેર કર્યા બાદ ઇઝરાયલી સેનાએ આ કાર્યવાહી કરી છે. જેમાં શનિવારે હવાઈ હુમલા અને ફાયરિંગમાં કુલ 33 લોકો માર્યા ગયા હતા.
ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા
ખાન યુનિસ શહેર બહારના વિસ્થાપિતોના ટેન્ટ પર શનિવારે વહેલી સવારે થયેલા હવાઈ હુમલામાં 17 લોકોના મોત થયા, જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતા. ઉત્તરી ગાઝામાં ભોજન લેવા ગયેલા 5 લોકો પણ ફાયરિંગમાં માર્યા ગયા અને અન્ય સ્થળોએ 11 લોકોના મોત નોંધાયા. ઇઝરાયલી સેનાએ જણાવ્યું કે સૈનિકો માટે ખતરાને કારણે હવાઈ ફાયરિંગ થયું હતું, કોઈને નિશાન બનાવ્યા નહોતા.
શનિવારે યમનના હાઉતી સંગઠન દ્વારા તેલ અવીવ પર થયેલા ડ્રોન હુમલામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા અને બેન ગુરિયન આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર અવરજવર ખોરવાઈ ગઈ.
નેધરલેન્ડ્સના વિદેશ મંત્રીએ રાજીનામું આપ્યું
આંતરરાષ્ટ્રીય સ્તરે નેધરલેન્ડ્સના વિદેશ મંત્રી કેસ્પર વેલ્ડકેંપે ઇઝરાયલ પર પ્રતિબંધો લાદવામાં સરકારની નિષ્ફળતાને કારણે રાજીનામું આપ્યું. યુએઈ (UAE) એ ગાઝાની સ્થિતિ અને વેસ્ટ બેંકને વિભાજીત કરવાની ઇઝરાયલી યોજનાની કડક નિંદા કરી હતી. તુર્કીની પ્રથમ મહિલા એમીન એર્દોગને મેલાનિયા ટ્રમ્પને ગાઝાના બાળકો અને મહિલાઓ માટે અવાજ ઉઠાવવા વિનંતી કરી.