Donald Trump Tariffs: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લગાવવામાં આવેલા ટેરિફ 2026 સુધીમાં અમેરિકામાં ગરીબીમાં જીવતા લોકોની સંખ્યામાં આશરે 10 લાખનો વધારો કરી શકે છે. ટ્રમ્પ સતત દાવો કરતા રહ્યા છે કે ટેરિફથી મહેસૂલમાં વધારો થશે અને અમેરિકનોને ફાયદો થશે, પરંતુ યેલ યુનિવર્સિટીની બજેટ લેબ દ્વારા કરાયેલા એક વિશ્લેષણ મુજબ આ ટેરિફ(tariffs analysis) વધુ અમેરિકનોને ગરીબી તરફ ધકેલી શકે છે.
10 લાખ અમેરિકનો ગરીબીમાં ધકેલાઈ જશે!
અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ટેરિફ એ અમેરિકી પરિવારો પર એક કર છે કારણ કે તે આવકને બદલે વસ્તુઓ અને સેવાઓ પરનો કર છે. આનો અર્થ એ થાય છે કે જે લોકો પોતાની આવકનો મોટો ભાગ જરૂરિયાતની વસ્તુઓ પર ખર્ચ કરે છે, તેમના પર આની વધુ અસર થાય છે.
બજેટ લેબના નીતિ વિશ્લેષક જાન રિકો અનુસાર ટેરિફ અને તેની સાથે સંકળાયેલા ભાવ વધારાની સૌથી વધુ અસર ઓછી આવક ધરાવતા પરિવારો પર પડે છે. કારણ કે ઓછી આવક ધરાવતા પરિવારો ઊંચી આવકવાળા લોકોની સરખામણીમાં તેમની આવકનો મોટો હિસ્સો જીવન-નિર્વાહ પર ખર્ચે છે અને તેઓ આયાતી ઉત્પાદનો વધુ ખરીદે છે, જેના કારણે તેઓ કિંમતોમાં ફેરફાર પ્રત્યે વધુ સંવેદનશીલ હોય છે.

અમેરિકામાં વધી શકે છે ગરીબી
આ વિશ્લેષણ અનુસાર 2026 માં અમેરિકામાં ગરીબી દર 12 ટકાથી વધીને 12.2 ટકા થશે. ટ્રમ્પના કાર્યકાળમાં ટેરિફમાં વધારો ઐતિહાસિક રહ્યો છે, અને સરેરાશ અસરકારક ટેરિફ દર 17.4 ટકા સુધી પહોંચી ગયો છે, જે 1935 પછીનો સૌથી વધુ છે. જો અમેરિકી સુપ્રીમ કોર્ટ આ ટેરિફને ગેરકાયદેસર જાહેર કરે તો 2025 માં લગાવવામાં આવેલા મોટાભાગના ટેરિફ હટી શકે છે.