Khapat Village lion Attack: ગીર જંગલ વિસ્તારની આસપાસના ગામોમાં સિંહોના માનવ વસવાટવાળા વિસ્તારોમાં ઘુસી આવવાના બનાવો વારંવાર સામે આવે છે. તાજેતરમાં, ઉના શહેરથી આઠ કિલોમીટર દૂર આવેલા ખાપટ ગામમાં સિંહોએ એક ગૌશાળા પર હુમલો કર્યો હતો. મધરાતે બે નર સિંહોએ ગૌશાળામાં પ્રવેશી છ ગાયોનું મારણ કર્યું હતું. આ હુમલાથી ગભરાયેલી બાવન અન્ય ગાયો જીવ બચાવવા દોડી મૂકી હતી. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
ખાપટ ગામમાં આશરે રાત્રે 2.45 વાગ્યે શિકારની શોધમાં બે નર સિંહો ગામના મુખ્ય રોડ પર આવ્યા હતા. ગામના યુવાનો દ્વારા રેઢિયાળ ગાયો માટે બનાવવામાં આવેલી આ ગૌશાળામાં હાલ બાવન ગાયો રહે છે. ગૌશાળાની બે બાજુ ફેન્સિંગ અને બે બાજુ દીવાલ આવેલી છે. સિંહોએ ફેન્સિંગ તોડીને ગૌશાળામાં પ્રવેશ કર્યો હતો અને ફેન્સિંગ તોડવા માટે તેમણે જોરદાર બળનો ઉપયોગ કર્યો હતો. સિંહોને જોઈને ગાયો ભાંભરવા લાગી હતી અને તેમની નાસભાગના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા હતા. છ ગાયોનો શિકાર કર્યા બાદ સિંહો સવારના સમયે સીમ વિસ્તારમાં જતા રહ્યા હતા.
ગીર અને સૌરાષ્ટ્ર પંથકમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જોકે, તેની સાથે હવે સિંહો જંગલની આસપાસના ગામોમાં માત્ર રાત્રે જ નહીં, પણ ધોળા દિવસે પણ શેરીઓમાં જોવા મળી રહ્યા છે. બે દિવસ અગાઉ ઉના પંથકના પાતાપુર ગામમાં એક સિંહણ રાત-દિવસ ગામની શેરીઓમાં ફરતી હતી અને પ્રાણીઓના મારણ કરતી હતી. જોકે, અત્યાર સુધી તેણે કોઈ વ્યક્તિ પર હુમલો કર્યો નથી, પરંતુ સિંહણને સામે જોઈને લોકો જીવ બચાવવા ભાગતા હોય છે. શિકાર કર્યો હોય ત્યાં સિંહોના ફરી આવવાની સંભાવના હોવાથી વનવિભાગ પાસે સિંહોનું લોકેશન મેળવવાની માંગણી ઉઠી છે.