Devayat Khavad Latest News: સનાથલના યુવક પર કરવામાં આવેલા હુમલોના કેસમાં દેવાયત ખવડની મુશ્કેલીમાં વધારો થયો છે. નીચલી કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન સામે તાલાલા પોલીસે દાખલ કરેલી રિવિઝન અરજી વેરાવળ સેશન્સ કોર્ટ દ્વારા માન્ય રાખવામાં આવી છે અને દેવાયત ખવડ સહિત અન્ય આરોપીઓના જામીન રદ કરી દીધા છે.
થોડા દિવસો પહેલાં તાલાલા ગીરમાં દેવાયત ખવડ અને તેના સાથીઓએ એક યુવક પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ નીચલી કોર્ટે ખવડ સહિત કુલ 15 આરોપીઓને જામીન મંજૂર કર્યા હતા. જોકે, તાલાલા પોલીસને આ નિર્ણય સામે વાંધો હતો અને તેથી તેમણે સેશન્સ કોર્ટમાં જામીન રદ કરવા માટે રિવિઝન અરજી દાખલ કરી હતી.
આજે વેરાવળ સેશન્સ કોર્ટમાં સરકારી વકીલ કેતનસિંહ વાળાએ સરકાર પક્ષે ધારદાર દલીલો રજૂ કરી હતી. આશ્ચર્યજનક રીતે, દેવાયત ખવડના વકીલે પણ જામીન રદ કરવાની માગ સામે કોઈ વિરોધ નોંધાવ્યો નહોતો. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે જામીન રદ કરવાનો આદેશ આપ્યો છે. હવે દેવાયત ખવડે તાત્કાલિક તાલાલા પોલીસ સમક્ષ હાજર થવું પડશે.